<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

તમિલનાડુ ભાજપ પ્રમુખ નયનર નાગેન્દ્રનના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય વાતાવરણ ગરમાયું: થલાપતિ વિજયના પરિવાર પર ટિપ્પણી કરતા મચી ગયો હોબાળો!

દિગ્ગજ નેતાની અસંસ્કારી ભાષા પર પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ પણ વ્યક્ત કર્યો વિરોધ; વિરોધ પક્ષના નેતાઓ દ્વારા માફીની માંગ.

ચેન્નાઈ:  તમિલનાડુના રાજકારણમાં એક અત્યંત શરમજનક અને વિવાદાસ્પદ નિવેદને ભૂકંપ સર્જ્યો છે. તમિલનાડુ ભાજપના પ્રમુખ નયનર નાગેન્દ્રને સુપરસ્ટાર અને ટીવીકે (TVK) નેતા થલાપતિ વિજયના પરિવાર, ખાસ કરીને તેમની માતા વિશે કરેલી ટિપ્પણીએ સમગ્ર રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. વિધાનસભાની અંદર અને બહાર સતત ચાલી રહેલા વાકયુદ્ધ વચ્ચે આ નિવેદને રાજકીય શિષ્ટાચારની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

 

વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે નાગેન્દ્રને વિધાનસભામાં ટીવીકેના સભ્યો દ્વારા કરવામાં આવતા "પિતા ક્યાં છે?" તેવા નારાઓનો જવાબ આપતા અત્યંત અસંસ્કારી ભાષાનો પ્રયોગ કર્યો હતો. તેમણે તીખા અંદાજમાં કહ્યું હતું કે, "જો તમે વિધાનસભામાં પૂછતા રહેશો કે પિતા ક્યાં છે, તો અમને કેવી રીતે ખબર પડે? તમારે ઘરે જઈને તમારી માતાને પૂછવું જોઈએ કે તમારા પિતા કોણ છે." આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ભાજપ પ્રમુખની ભારે ઝાટકણી કાઢી હતી.

 

ટીવીકે નેતા રાજ મોહને નાગેન્દ્રનના નિવેદનને માનસિક વિકૃતિ અને અસંસ્કારી ગણાવીને તેની આકરી ટીકા કરી હતી. આ વિવાદમાં ચોંકાવનારી વાત એ છે કે, ભાજપના જ પૂર્વ નેતા કે. અન્નામલાઈએ પણ પોતાના જ પક્ષના પ્રમુખના આ નિવેદનને વખોડી કાઢ્યું છે. અન્નામલાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટપણે લખ્યું હતું કે, રાજકારણમાં ટીકા-ટિપ્પણી સ્વાભાવિક છે, પરંતુ કોઈના પરિવાર કે માતા વિશે અપમાનજનક ટિપ્પણી કરવી એ ક્યારેય સ્વીકારી શકાય નહીં.

 

તમિલનાડુ વિધાનસભામાં વર્તમાન સમયે ઉદયનિધિ સ્ટાલિન વિપક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે ટીવીકે દ્વારા તેમને નિશાન બનાવવા માટે સતત સવાલો પૂછવામાં આવે છે. આ તમામ રાજકીય ખેંચતાણ વચ્ચે ભાજપની એન્ટ્રીથી મામલો વધુ ગંભીર બન્યો છે. જોકે, વધતા જતા વિરોધને જોઈને નાગેન્દ્રને બાદમાં સફાઈ આપતા જણાવ્યું હતું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે અને તેનો હેતુ કોઈનું અપમાન કરવાનો નહોતો, પરંતુ રાજકીય લાભ મેળવવા માટે કેટલાક લોકો તેને વિકૃત કરી રહ્યા છે.

(10:27 PM IST)