<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

બલુચિસ્તાન નરસંહારનો ગંભીર મામલો: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર પાકિસ્તાનને હથિયારો પૂરા પાડવાનો આક્ષેપ!

સુરાબમાં થયેલા ભીષણ હવાઈ હુમલામાં ૩૦ નિર્દોષ નાગરિકોના મોતના પગલે બલુચિસ્તાન પ્રજાસત્તાક દ્વારા મોકલવામાં આવેલા પત્રથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મચ્યો હહોમાળ.

ક્વેટા: પાકિસ્તાનમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ અને અત્યાચારો વચ્ચે બલુચિસ્તાન તરફથી એક અત્યંત ચોંકાવનારો અને કડક પત્ર વૈશ્વિક નેતાઓને મોકલવામાં આવ્યો છે. બલુચિસ્તાન પ્રજાસત્તાકે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર સીધા પ્રહારો કરતા જણાવ્યું છે કે બલુચિસ્તાનમાં થઈ રહેલા નરસંહારનું પાપ આ મહાસત્તાઓની સહાય અને હથિયારો પર પણ જાય છે. તાજેતરમાં સુરાબ વિસ્તારમાં થયેલા એક ભયાનક હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૩૦ નિર્દોષ નાગરિકોના મોત થયા બાદ આ પત્ર સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાની સેના દ્વારા અમેરિકન એફ-૧૬ અને ચીની ફાઇટર જેટના દુરુપયોગના ગંભીર આક્ષેપો કરાયા છે.

 

પત્રમાં જણાવાયું છે કે પાકિસ્તાની સેના અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વિદેશી સહાયથી મળેલા ફાઇટર જેટ અને મિસાઇલોનો ઉપયોગ બલુચ જનતાને કચડવા માટે કરી રહ્યા છે. બલૂચ નેતાઓએ અમેરિકા અને ચીનને તેમના ભૂતકાળના સહયોગની યાદ અપાવતા ચેતવણી આપી છે કે જો પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાય તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે, તો અત્યાચારો વધુ ભયાનક બનશે. દાયકાઓથી પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે જૂઠાણાં ફેલાવીને ભંડોળ મેળવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે જમીની વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાની સેના બલુચિસ્તાનના વિસ્તારોમાં નિયંત્રણ ગુમાવી ચૂકી છે.

 

આંતરરાષ્ટ્રીય મંચો પર બલૂચ પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનને બલુચિસ્તાનની ભૂમિ, જળ કે આકાશ પર કોઈ કાનૂની અધિકાર નથી. પત્રમાં યુએસ અને ચીન સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે, જેમાં પાકિસ્તાનને અપાતી તમામ લશ્કરી સહાય પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો, નાગરિકો પર થતા હુમલાની તપાસ માટે આંતરરાષ્ટ્રીય સમિતિની રચના કરવી અને બલુચિસ્તાનને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાનો સમાવેશ થાય છે. આ કડક સંદેશ બાદ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે.

(10:28 PM IST)