<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

કુદરતનો કેર: ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાના મહાવિનાશક ભૂકંપ બાદ ઉત્તર સુમાત્રામાં 6.8નો બીજો આંચકો : 38 લોકોના મોત અને ભારે તારાજી

પાવર સપ્લાય અને કમ્યુનિકેશન લાઇનો ઠપ્પ થઈ જવાથી રાહત અને બચાવ કાર્યમાં ભારે અવરોધો

જકાર્તા :   ઇન્ડોનેશિયા પર પ્રકૃતિનો કાળો કોપ ઉતર્યો છે.  પૂર્વી ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ટાપુ નજીક આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપના થોડા જ કલાકો બાદ ઉત્તર સુમાત્રા પ્રદેશમાં 6.8ની તીવ્રતાનો બીજો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) મુજબ, આ તાજેતરના આંચકાનું કેન્દ્ર જમીનથી 158 કિલોમીટર ઊંડાઈએ હતું. સતત ધ્રુજી રહેલી ધરતીને કારણે સમગ્ર દેશમાં ભારે દહેશતનો માહોલ છે. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 38 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

શરૂઆતના દર્દનાક ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે બહુમાળી ઇમારતો અને મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા. રસ્તાઓ પર મોટી તિરાડો પડી ગઈ હતી અને અનેક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ધ્રુજારી અનુભવાતા જ લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી ખુલ્લા મેદાનો તરફ દોડી ગયા હતા. હોસ્પિટલોમાંથી દર્દીઓને તાત્કાલિક બહાર ખસેડીને શેરીઓમાં કામચલાઉ બેડ બનાવી સારવાર આપવાની નોબત આવી હતી. પાવર સપ્લાય અને કમ્યુનિકેશન લાઇનો ઠપ્પ થઈ જવાથી રાહત અને બચાવ કાર્યમાં ભારે અવરોધો આવી રહ્યા છે.

પ્રથમ ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી હતી, જેના પગલે હજારો લોકો ઉંચાઈવાળા વિસ્તારો તરફ પલાયન કરી ગયા હતા, જોકે પાછળથી દરિયામાં કોઈ મોટી હલચલ ન દેખાતા આ ચેતવણી પાછી ખેંચાઈ હતી. પેસિફિક 'રિંગ ઓફ ફાયર' પર સ્થિત હોવાના કારણે ઇન્ડોનેશિયામાં ટેક્ટોનિક પ્લેટોની અથડામણથી અવારનવાર આવા ભૂકંપ આવે છે. હાલમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (BNPB) અને ઈમરજન્સી ટીમો કાટમાળ નીચે ફસાયેલા લોકોને ઉગારવા માટે હેલિકોપ્ટર તેમજ બોટની મદદથી યુદ્ધના ધોરણે ઓપરેશન ચલાવી રહી છે.

(10:52 PM IST)