<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ભારત-બાંગ્લાદેશ રાજદ્વારી સંબંધોમાં નવો અધ્યાય: વડા પ્રધાન તારિક રહેમાનની પ્રથમ ઐતિહાસિક ભારત મુલાકાત પર સૌની નજર!

આ પ્રથમ ભારત મુલાકાત હોવાથી બંને દેશો વચ્ચેના વેપાર, ઉર્જા ક્ષેત્ર, સીમા સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે

ઢાકા:  દક્ષિણ એશિયાઈ રાજકારણ અને રાજદ્વારી સંબંધોના દ્રષ્ટિકોણથી એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. બાંગ્લાદેશના નવ-નિર્વાચિત વડા પ્રધાન તારિક રહેમાન આગામી 20 થી 25 ઓગસ્ટ વચ્ચે પોતાની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. દિલ્હી અને ઢાકા વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાઓ માટે ઉત્સાહ હોવા છતાં, બંને દેશોના શીર્ષ નેતાઓના વ્યસ્ત સમયપત્રકને કારણે તારીખો પર સતત વિચારમંથન ચાલી રહ્યું હતું. હાલમાં 20-21 ઓગસ્ટ અથવા 21-22 ઓગસ્ટ એમ બે મુખ્ય વિકલ્પો ચર્ચાના કેન્દ્રમાં છે.

આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત પાછળ પૃષ્ઠભૂમિમાં ઘણું મોટું રાજદ્વારી ચક્ર ફરી રહ્યું છે. તાજેતરમાં જ બાંગ્લાદેશમાં ભારતના નવનિયુક્ત હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ ઢાકામાં વડા પ્રધાન તારિક રહેમાન સાથે મુલાકાત કરી હતી, જે બાદ તરત જ 11 ઓગસ્ટે તેમણે નવી દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વન-ઓન-વન મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ રાજદ્વારી હિલચાલ બાદ તારિક રહેમાનની દિલ્હી યાત્રાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દિનેશ ત્રિવેદી ફરી ઢાકા પહોંચીને ચાર્જ સંભાળે તે સાથે જ મુલાકાતની સત્તાવાર તારીખોની જાહેરાત થઈ શકે છે.

ફેબ્રુઆરીમાં સત્તા સંભાળ્યા બાદ તારિક રહેમાનની આ પ્રથમ ભારત મુલાકાત હોવાથી બંને દેશો વચ્ચેના વેપાર, ઉર્જા ક્ષેત્ર, સીમા સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત ચર્ચા થવાની ધારણા છે. જોકે, વિદેશ મંત્રાલય તરફથી હજુ આ મુલાકાત અંગે આખરી સત્તાવાર મહોર મારવાની બાકી છે. તેમ છતાં, દક્ષિણ એશિયામાં બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે આ બેઠક બંને દેશોના ભવિષ્યના સંબંધોની નવી દિશા નક્કી કરશે તેમાં કોઈ બેમત નથી.

(10:53 PM IST)