ઝારખંડના લાતેહાર જિલ્લામાં ભયાનક અકસ્માત : ઓટોરિક્ષા અને કન્ટેનર સામસામે અથડાતા 7 લોકોના કમકમાટી ભર્યા મોત
એક ઢાળવાળા માર્ગ પર પૂરપાટ ઝડપે દોડતા વાહનો વચ્ચે થયેલી ભીષણ ટક્કરે ક્ષણભરમાં અનેક પરિવારોના માળા ઉજડી નાખ્યા

ઝારખંડના લાતેહાર જિલ્લાના ચંદવા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતી ડેઢટંગવા ઘાટી પાસે એક ભીષણ સડક અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર દૂર્ઘટનામાં એક અનિયંત્રિત કન્ટેનર અને ઓટો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં કુલ સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ખૌફનાક હતો કે ઓટોના સીએનજી સિલિન્ડર અને બોડીના કૂરચે કૂરચા ઉડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃત્યુ પામનારાઓમાં ઓટોમાં સવાર પાંચ મુસાફરો ઉપરાંત તે જ સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક બાઈક પર સવાર બે અન્ય લોકો પણ સામેલ છે. ટક્કર એટલી ખતરનાક હતી કે વાહનોમાં સવાર લોકોને સંભળવાનો કે બચવાનો કોઈ મોકો જ મળ્યો નહીં. ઘટના બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સ્થાનિક લોકોના સહયોગથી કાટમાળમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે ક્રેનની મદદથી વાહનો હટાવીને પૂર્વવત કર્યો હતો. આ દુર્ઘટના પાછળ વાહનની અતિશય ઝડપ, અંધાધૂંધ ઓવરટેકિંગ કે બ્રેક ફેઈલ થવા જેવી બાબતો જવાબદાર હોઈ શકે છે, જેને લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. એકસાથે સાત જિંદગીઓ હોમાઈ જવાથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
