<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ઈરાન સાથે ટ્રમ્પના 'ગુપ્ત' સંબંધોનો ધડાકો: ઈરાકી નેતાએ કમાન્ડર વાહિદી અને IRGC ના ટોચના નેતૃત્વ સુધી કેવી રીતે સ્થાપિત કરી સીધી બેકચેનલ?

તેહરાનમાં ખરી સત્તા કોના હાથમાં છે તે જાણવા વ્હાઇટ હાઉસે કુર્દીસ્તાનના પ્રમુખ બર્ઝાનીની લીધી મદદ; એન્ક્રિપ્ટેડ ફોન દ્વારા અમેરિકા અને ઈરાની સેના વચ્ચે થયો સીધો સંપર્ક

વોશિંગ્ટન : યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલા ભારે તણાવ વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ધડાકો થયો છે. મે મહિનામાં બંને દેશો વચ્ચે શરૂ થયેલી ગુપ્ત વાટાઘાટો દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્ર સામે મોટો પડકાર એ હતો કે તેહરાનમાં આખરી નિર્ણયો ખરેખર કોણ લઈ રહ્યું છે. આ જટિલ પ્રશ્નનો ઉકેલ લાવવા અને ઈરાનના અતિ શક્તિશાળી 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ની ખરી મનશા જાણવા માટે વ્હાઇટ હાઉસે ઈરાકના કુર્દીસ્તાન ક્ષેત્રના પ્રમુખ નેચિરવાન બર્ઝાની દ્વારા એક અત્યંત ગુપ્ત બેકચેનલ સ્થાપિત કરી હતી.

અહેવાલો મુજબ, તત્કાલીન નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે મે મહિનામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની મંજૂરીથી પ્રમુખ બર્ઝાનીનો સંપર્ક કર્યો હતો. બર્ઝાનીના ઈરાન અને અમેરિકા બંને સાથે ઉત્તમ સંબંધો છે અને તેઓ ફારસી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. અમેરિકા એ સુનિશ્ચિત કરવા માગતું હતું કે ઈરાન તરફથી વાટાઘાટો કરી રહેલા સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને IRGC ના સૈન્ય નેતૃત્વનું પૂર્ણ સમર્થન છે કે નહીં.

આ સંવેદનશીલ મિશનને પાર પાડવા માટે ૧૪ મેના રોજ IRGC ના એક વરિષ્ઠ અધિકારીએ એર્બિલમાં બર્ઝાની સાથે મુલાકાત કરી હતી અને તેમને વાતચીત માટે એક વિશેષ એન્ક્રિપ્ટેડ ફોન સોંપ્યો હતો. આ ફોન દ્વારા બર્ઝાનીએ IRGC કમાન્ડર જનરલ અહમદ વાહિદી સાથે સીધી વાત કરી હતી. જનરલ વાહિદીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે સૈન્ય નેતૃત્વ વાટાઘાટકારોની સાથે છે અને તેઓ કટોકટીનો ઉકેલ રાજદ્વારી માર્ગે લાવવાના પક્ષમાં છે. બર્ઝાનીએ આ મહત્વપૂર્ણ સંદેશ તુરંત જ તુલસી ગબાર્ડ મારફતે વ્હાઇટ હાઉસ સુધી પહોંચાડ્યો હતો.

આ સકારાત્મક સંકેતો મળ્યા બાદ ટ્રમ્પ વહીવટીતંત્રે એર્બિલ ખાતે બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે એક ગુપ્ત બેઠક યોજવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જોકે સુરક્ષા કારણોસર તે શક્ય બની શક્યો નહોતો. જોકે, પાછળથી કેટલીક શરતો પર મતભેદો ઉભા થતાં વચગાળાની સમજૂતી અટકી પડી હતી. વર્તમાનમાં પાકિસ્તાની અને કતારી મધ્યસ્થીઓ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વાતચીત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે સૌથી મોટો પડકાર ઈરાનમાં ખરી સત્તા ધરાવતા નિર્ણાયકો સાથે સીધા સંપર્કમાં રહેવાનો જ રહેશે.

(6:25 PM IST)