<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

અડિયાલા જેલમાં ઇમરાન ખાનની તબીબી સ્થિતિ વણસી: હૃદયના ધબકારા ઘટીને ૫૦ થયા અને બ્લડ પ્રેશર ૧૪૦ પહોંચ્યું

તબીબોના જણાવ્યા મુજબ, જેલમાં પરિવારથી અલગ રાખવાને કારણે તેઓ અતિશય માનસિક તણાવ, ગભરામણ અને ગંભીર ચિંતા (એન્ઝાયટી) અનુભવી રહ્યા છે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાન (PTI) ના સ્થાપક ૭૪ વર્ષીય ઇમરાન ખાનની સ્વાસ્થ્ય સ્થિતિને લઈને એક ચોંકાવનારો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે. રાવલપિંડીની અડિયાલા જેલમાં લાંબા સમયથી કેદ ઇમરાન ખાનના હૃદયના ધબકારા (પલ્સ રેટ) ઘટીને ૫૦ થઈ ગયા છે અને તેમનું બ્લડ પ્રેશર ૧૪૦/૧૦૦ સુધી વધી ગયું છે. સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય અને મૃત્યુ અંગેની સતત અફવાઓ ચાલી રહી હતી, તે વચ્ચે જ આ મેડિકલ રિપોર્ટ સપાટી પર આવ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, જેલમાં પરિવારથી અલગ રાખવાને કારણે તેઓ અતિશય માનસિક તણાવ, ગભરામણ અને ગંભીર ચિંતા (એન્ઝાયટી) અનુભવી રહ્યા છે.

જેલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવેલા તબીબી અહેવાલ અનુસાર, મેડિકલ બોર્ડે ઇમરાન ખાનની સ્થિતિ વધુ ખરાબ થતી રોકવા માટે તાત્કાલિક કેટલાક પગલાં ભરવાની ભલામણ કરી છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે તેમની ચિંતા ઓછી કરવા માટે તેમને તેમની પત્ની બુશરા બીબી અને પરિવારના સભ્યોને મળવા દેવાની મંજૂરી આપવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત, તેમને દૈનિક એક કલાક ચાલી શકાય તેવી જગ્યા, વાંચવા માટે પુસ્તકો, અખબારો અને ટેલિવિઝન જેવી સુવિધાઓ પૂરી પાડવાની ભલામણ પણ કરાઈ છે. તબીબોએ તણાવ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે દવાઓ સૂચવી છે અને હૃદયની વધુ તપાસ માટે સીટી એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ પણ આપી છે.

આ મેડિકલ રિપોર્ટે જેલ પ્રશાસનના અગાઉના દાવાઓ સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે. આ પહેલા સુપરિન્ટેન્ડેન્ટે હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે ઇમરાન ખાનને જેલમાં તમામ જરૂરી સુવિધાઓ મળી રહી છે, પરંતુ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સોંપાયેલા તાજેતરના અહેવાલમાં ડોક્ટરોએ પોતે પરિવાર સાથેની મુલાકાત અને મનોરંજનના સાધનો પર મૂકેલા પ્રતિબંધોને તણાવનું મુખ્ય કારણ ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી સાથે ફેબ્રુઆરી ૨૦૧૮માં લગ્ન થયા હતા. ૭૪ વર્ષની ઉંમરે જેલમાં સતત વધતો માનસિક તણાવ અને તબીબી બેદરકારી તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે તેવું ડોક્ટરોનું માનવું છે.

(6:27 PM IST)