News of Monday, 17th August 2026
૯૮% પાલન છતાં દુકાન સીલ કરી રાખી: બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર FDA ને ઉધડો લીધો, પુણેની મીઠાઈની દુકાનને ₹૫ લાખનું વળતર ચૂકવવા આપ્યો ઐતિહાસિક આદેશ!
"આ શું છે, નાગરિકોને ત્રાસ આપો છો?": કડક વલણ અપનાવતા હાઈકોર્ટે સસ્પેન્શન રદ કર્યું; ૩૪ દિવસ દુકાન બંધ રહેતા વેપારીને થયું હતું લાખોનું નુકસાન

મુંબઈ :મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના મનસ્વી અને અયોગ્ય વલણ સામે બોમ્બે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. પુણેની જાણીતી 'ગુરુનાનક ડેરી એન્ડ સ્વીટ્સ' ને રી-ઇન્સ્પેક્શનમાં ૯૮% પાલન સ્કોર મળ્યો હોવા છતાં તેનું લાયસન્સ સસ્પેન્શન રદ ન કરવા બદલ હાઈકોર્ટે FDA ની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે અધિકારીઓની આ કાર્યવાહીને "સાદી અને સરળ વિકૃતિ" ગણાવીને મહારાષ્ટ્ર FDA ને પુણેની આ મીઠાઈની દુકાનને ₹૫ લાખનું માતબર વળતર ૩૦ દિવસની અંદર ચૂકવવાનો સખત આદેશ આપ્યો છે.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંકડની ખંડપીઠે આ મહત્વનો ચુકાદો આપતા દુકાન પર લાદવામાં આવેલું સસ્પેન્શન તાત્કાલિક અસરથી રદ કર્યું છે, જેનાથી વેપારીને પોતાની કામગીરી ફરી શરૂ કરવાની મંજૂરી મળી છે. ફૂડ પોઇઝનિંગની ફરિયાદો બાદ ૧૨ જૂનના રોજ FDA એ કાર્યવાહી કરી સસ્પેન્શન લાદ્યું હતું. ત્યારબાદ દુકાને તમામ ખામીઓ સુધારીને ૯ જુલાઈના રોજ રિપોર્ટ સબમિટ કર્યો હતો. ૧૩ જુલાઈએ હાથ ધરાયેલા પુનઃનિરીક્ષણમાં અધિકારીઓએ ૩૬ માંથી ૩૫ ગુણ (૯૮% પાલન) આપ્યા હોવા છતાં તંત્રે લાયસન્સ બહાલી ન આપીને મામલો અપીલમાં ધકેલી દીધો હતો.
અરજદારના એડવોકેટ અભિજીત દેસાઈએ કોર્ટમાં ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે FDA ના આ વલણને કારણે મીઠાઈની દુકાન સતત ૩૪ દિવસ સુધી બંધ રહી હતી, જેના લીધે વેપારીને અંદાજે રૂ. ૮.૭૪ લાખનું સીધું મહેસૂલ નુકસાન સહેવું પડ્યું હતું. વધુમાં, નિરીક્ષણ રિપોર્ટ કે સસ્પેન્શન ઓર્ડરમાં દુકાનની કોઈ ચોક્કસ ખાદ્ય સામગ્રીથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ હોવાનો કોઈ પુરાવો પણ નોંધાયો નહોતો.
FDA ની આ પ્રકારની ખેંચતાણ અને વિલંબના બચાવ સામે ભારે નારાજગી વ્યક્ત કરતા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ઘુગેએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, "૯૮% પાલન થયા પછી પણ તમે નાગરિકોને અરજીઓ અને અપીલોમાં ધકેલીને ત્રાસ આપો છો? તમારો ઇરાદો પ્રશંસનીય હોઈ શકે, પરંતુ તમે વ્યાપ બહાર જઈને કામ કરી રહ્યા છો." ઉલ્લેખનીય છે કે, આ જ મહિને નવી મુંબઈની હોટેલ પવન બારનું ૧૦૦% પાલન છતાં સસ્પેન્શન ન હટાવવા બદલ પણ હાઈકોર્ટે FDA ને ફટકાર લગાવી હતી.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
