<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

"અમારો ડબ્બુ કેમ પકડ્યો?": ખેડૂતે કારની બારી ખોલીને દીપડાને ઠપકો આપ્યો, આંખોમાં આંખો પરોવીને પૂછ્યા આકરા સવાલો, અનોખો વાયરલ વિડિયો!

મધ્યપ્રદેશના શિવપુરીમાં માધવ ટાઇગર રિઝર્વ નજીક અનોખી ઘટના; રસ્તા કિનારે ટેકરા પર બેઠેલા દીપડાએ પણ ભય વિના શાંતિથી ખેડૂતની આખી ફરિયાદ સાંભળી

શિવપુરી : સોશિયલ મીડિયા પર અવારનવાર વન્યજીવોના આશ્ચર્યજનક વિડિયો વાયરલ થતા હોય છે, પરંતુ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો અને રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. માધવ ટાઇગર રિઝર્વને અડીને આવેલા હાટોડ ગામ નજીક એક ખેડૂતે પોતાની કાર રોકીને રસ્તા કિનારે બેઠેલા જંગલી દીપડા સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ખેડૂત તેની આંખોમાં આંખો પરોવીને પોતાના પાલતુ કૂતરા પર હુમલો કરવા બદલ દીપડા પાસેથી ખુલાસો અને જવાબ માગતો જોવા મળ્યો હતો.

મળતી માહિતી મુજબ, ખેડૂત મનીષ મલ્હોત્રા પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમણે રસ્તાની બાજુમાં આવેલા એક ઊંચા ટેકરા પર દીપડાને આરામથી બેઠેલો જોયો હતો. સામાન્ય રીતે દીપડાને જોઈને લોકો ભાગી છૂટતા હોય છે, પરંતુ મનીષભાઈએ કારની બારી ખોલી દીધી અને દીપડાને સંબોધીને ફરિયાદ કરવાનું શરૂ કર્યું. વિડિયોમાં ખેડૂત દીપડાને પૂછતા સંભળાય છે કે, "શું ગઈકાલે તમે અમારા ડબ્બુને પકડ્યો તે સારું કર્યું?" આ સાથે જ તેમણે દીપડાને ગામમાં કોઈને નુકસાન ન પહોંચાડવા અને શાંતિથી રહેવા વિનંતી કરી હતી.

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ હતી કે ખેડૂતનો અવાજ સાંભળીને દીપડો પણ એકદમ શાંત થઈ ગયો હતો. તે કોઈપણ હુમલાત્મક વલણ વગર લાંબા સમય સુધી ખેડૂતની વાત ધ્યાનથી સાંભળતો હોય તેમ તેની સામે જ જોઈ રહ્યો હતો. માણસ અને વન્યજીવ વચ્ચેની આ અસામાન્ય વાટાઘાટો કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે સોશિયલ મીડિયા પર લોકો આ વિડિયો જોઈને જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જોકે, વાયરલ વિડિયોથી મનોરંજન ચોક્કસ મળે છે પરંતુ વન્યજીવન નિષ્ણાતોએ આ અંગે ગંભીર ચેતવણી આપી છે. નિષ્ણાતોના મતે હિંસક વન્યપ્રાણીઓની આટલી નજીક જવું જીવલેણ સાબિત થઈ શકે છે. વન વિભાગે લોકોને આવા પ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવવા, તેમને ખલેલ ન પહોંચાડવા અને તાત્કાલિક સ્થાનિક તંત્રને જાણ કરવાની સલાહ આપી છે. વિડિયો વાયરલ થયા બાદ વન વિભાગ પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની તૈયારી કરી રહ્યું છે.

(6:49 PM IST)