<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ITR દાખલ કર્યા પછી ઈમેલ ચેક કરવાનું ભૂલતા નહીં: આવકવેરા વિભાગની કલમ 139(9) હેઠળ 'ડિફેક્ટિવ રિટર્ન નોટિસ' આવે તો ગભરાશો નહીં, જાણો તેને ઠીક કરવાની સરળ રીત!

આકરણી વર્ષ (AY) 2026-27 માટે રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓ માટે મહત્ત્વના સમાચાર; નાની ભૂલ કે અધૂરી વિગત ભારે પડી શકે છે, માત્ર ૧૫ દિવસમાં આપવો પડશે આકરો જવાબ

નવી દિલ્હી  : નાણાકીય વર્ષ અને આકરણી વર્ષ (AY) 2026-2027 માટે પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) સફળતાપૂર્વક ફાઈલ કરી ચૂકેલા કરદાતાઓ માટે હવે એક અત્યંત મહત્ત્વપૂર્ણ એલર્ટ સામે આવ્યું છે. રિટર્ન સબમિટ થઈ ગયા બાદ પણ કરદાતાઓએ પોતના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને આવકવેરા વિભાગના સત્તાવાર ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સતત નજર રાખવી જરૂરી છે. જો તમારા રિટર્નમાં દર્શાવેલી માહિતીમાં કોઈ ભૂલ, અસંગતતા કે અધૂરી વિગત જણાશે તો આવકવેરા વિભાગ તમને કલમ 139(9) હેઠળ 'ડિફેક્ટિવ રિટર્ન નોટિસ' ફટકારી શકે છે.

આવકવેરા નિયમો મુજબ, જ્યારે કોઈ કરદાતા દ્વારા પોતાના ITR ફોર્મમાં માંગવામાં આવેલી જરૂરી ડિટેલ્સ આપવામાં ન આવી હોય અથવા દર્શાવેલી આવક અને દસ્તાવેજોમાં પરસ્પર મેળ ન ખાતો હોય ત્યારે તે રિટર્નને 'ડિફેક્ટિવ' (ખામીયુક્ત) ગણવામાં આવે છે. દાખલા તરીકે, જો કોઈ કરદાતા પોતાનું TDS ક્રેડિટ ક્લેમ કરે છે પરંતુ તેને લગતી મૂળ આવક રિટર્નમાં દર્શાવવાનું ચૂકી જાય છે, અથવા તો બિઝનેસ અને પ્રોફેશનથી થતી આવકની ગણતરીમાં મહત્વની માહિતી અધૂરી રાખે છે, ત્યારે સિસ્ટમ તેને ફ્લેગ કરીને નોટિસ જારી કરે છે.

ટેક્સપેયર્સને આ નોટિસ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરીને અથવા રજિસ્ટર્ડ ઈમેલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, તેમજ અમુક કિસ્સામાં સ્પીડ પોસ્ટથી પણ મોકલવામાં આવે છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે તમારા રિટર્નમાં કઈ ચોક્કસ ખામી કે ભૂલ રહી ગઈ છે અને તેને કઈ રીતે સુધારી શકાય. સૌથી મહત્વની બાબત એ છે કે નોટિસ મળ્યાની તારીખથી કરદાતાને આ ખામી સુધારવા કે તેનો સત્તાવાર જવાબ રજૂ કરવા માટે સામાન્ય રીતે માત્ર ૧૫ દિવસનો જ સમય આપવામાં આવે છે. જો નિયત સમયમર્યાદામાં ભૂલ સુધારવામાં ન આવે તો આકરણી અધિકારી તમારા રિટર્નને અમાન્ય (Invalid) ઠેરવી શકે છે, જેનાથી ભવિષ્યમાં ભારે દંડ કે વ્યાજ ચૂકવવાનો વારો આવી શકે છે.

(6:49 PM IST)