News of Monday, 17th August 2026
મહારાષ્ટ્રમાં સર્જાયા નવા 'દશરથ માંઝી': એમ્બ્યુલન્સ ન પહોંચતા પત્નીનું નિધન થતાં પતિએ ગ્રામજનો સાથે મળી હાથમાં ઉપાડ્યા ઓજારો, જાતે જ રસ્તો બનાવવાનું શરૂ કર્યું!
સરકારી ઉપેક્ષા સામે આદિવાસી સમાજનો આક્રોશ; ૧.૫ કિલોમીટર લાંબા પહાડી રસ્તાને સમથળ કરવા તુલસીરામ ગેદામનો દ્રઢ સંકલ્પ

ચંદ્રપુર : બિહારના 'માઉન્ટેન મેન' દશરથ માંઝીની પ્રેમ અને સમર્પણની વાર્તા આપણે સૌએ સાંભળી છે, પરંતુ આવી જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં સામે આવી છે. તેલંગાણા સરહદ નજીક આવેલા જીવતી તાલુકાના ઘોડાણકપ્પી ગામમાં પાકો રસ્તો ન હોવાના કારણે એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી શકતાં એક આદિવાસી મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. આ આઘાતજનક ઘટના બાદ તંત્રની દયા પર નિર્ભર રહેવાને બદલે તેના પતિ તુલસીરામ ગેદામે ગ્રામજનોને એકઠા કરીને પોતે જ ૧.૫ કિલોમીટર લાંબો રસ્તો બનાવવાનું ભગીરથ કાર્ય શરૂ કરી દીધું છે.
ઘટનાની વિગત મુજબ, ગત ૧૪ જૂને તુલસીરામની પત્ની સંગીતાએ એક પુત્રીને જન્મ આપ્યા બાદ તેની તબિયત લથડી હતી. પહાડી અને ખડકાળ વિસ્તાર હોવાને કારણે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી, જેના કારણે સમયસર સારવાર ન મળતાં સંગીતાએ દમ તોડી દીધો હતો. પત્નીને ગુમાવવાના ગહરા દુઃખ વચ્ચે પણ તુલસીરામે હિંમત ન હારી અને 'વિશ્વ આદિવાસી દિવસ' ના રોજથી ગામના અન્ય લોકો સાથે મળીને રસ્તાનું કામ હાથ ધર્યું. હાલમાં નવજાત પુત્રીની સંભાળ તેની દાદી રાખી રહ્યા છે, જ્યારે તુલસીરામ પોતાના ત્રણ વર્ષના પુત્રનું પાલનપોષણ કરવા સાથે રસ્તાના નિર્માણમાં પરસેવો પાડી રહ્યા છે.
લગભગ ૨૦ ઘરોની વસ્તી ધરાવતું ઘોડાણકપ્પી ગામ છેલ્લા ત્રણ દાયકાથી ટેકરીઓની વચ્ચે વસેલું છે. ચોમાસા દરમિયાન ખડકાળ રસ્તાઓ પરથી પસાર થવું અત્યંત જોખમી બની જાય છે અને મોટરસાઇકલ પણ જઈ શકતી નથી. વર્ષ ૨૦૨૧માં 'મુખ્યમંત્રી ગ્રામીણ માર્ગ યોજના' હેઠળ નજીક સુધી રસ્તો બન્યો હતો, પરંતુ ગામને જોડતો છેલ્લો ૧.૫ કિલોમીટરનો ટુકડો અધૂરો છોડી દેવાયો હતો. તુલસીરામે ભાવુક થઈને જણાવ્યું હતું કે, "મેં મારી પત્ની ગુમાવી દીધી છે, પરંતુ હું નથી ઈચ્છતો કે રસ્તાના અભાવે અન્ય કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવે." તુલસીરામના આ જુસ્સા અને સાહસની સરખામણી હવે મહારાષ્ટ્રના 'પર્વતીય પુરુષ' તરીકે કરવામાં આવી રહી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
