<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

રામ મંદિર દાન વિવાદ: સુપ્રીમ કોર્ટનું SIT ને કડક અલ્ટીમેટમ : 'તપાસ ઝડપથી પૂર્ણ કરી સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપો'

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે દાન સંચાલનમાં પારદર્શિતા વધારવા અને નાણાકીય અનિયમિતતાના આરોપો પર ફોરેન્સિક ઓડિટ સાથે નિષ્પક્ષ તપાસ કરવા આપ્યા સ્પષ્ટ નિર્દેશો

નવી દિલ્હી:  અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે મળેલા કરોડો રૂપિયાના દાનના સંચાલનમાં કથિત ગેરરીતિઓ અને ચોરીના ગંભીર આરોપો પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. સોમવારે ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ મામલાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને કોઈ પણ જાતના વિલંબ વિના તપાસ પૂર્ણ કરવા અને પ્રોગ્રેસ રિપોર્ટ સીલબંધ પરબિડીયામાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ કડક આદેશ બાદ મંદિર ટ્રસ્ટની નાણાકીય કામગીરીને લઈને દેશભરમાં રાજકીય અને સામાજિક ગરમાવો વધી ગયો છે.

સુપ્રીમ કોર્ટે એસઆઈટીને સ્પષ્ટ સૂચના આપી છે કે તે વિવિધ અરજદારો દ્વારા કરવામાં આવેલા સૂચનોની નિષ્પક્ષતાથી તપાસ કરે જેથી તપાસની ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહે. કોર્ટે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે એસઆઈટીનો સ્ટેટસ રિપોર્ટ મળ્યા બાદ શ્રદ્ધાળુઓ તરફથી મળતી ભેટ અને દાનની વ્યવસ્થામાં સુધાર લાવવા માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. આઈજીપી કિરણ એસ. ના નેતૃત્વ હેઠળની ચાર સભ્યોની ટીમ હાલ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં ઉત્તર પ્રદેશ સરકારને વિશેષ ફોરેન્સિક ઓડિટરની મદદ લેવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આરજેડી સાંસદ સુધાકર સિંહ સહિત અનેક અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રામ મંદિર ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોનું સીબીઆઈ તપાસ અથવા સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ કરવાની માગ કરી હતી. જુલાઈ ૨૦૨૬ થી આ સમગ્ર મામલો સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે અને કોર્ટે અગાઉ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ પણ પાઠવી હતી. કરોડો ભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દા પર એસઆઈટીના આગામી રિપોર્ટ બાદ કોર્ટ શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

 

(7:31 PM IST)