News of Monday, 17th August 2026
યુપી ATS નો મોટો ધમાકો: જૈશ-એ-મોહમ્મદ માટે ફંડિંગ કરતો આતંકી મોહમ્મદ ઝફર ઝડપાયો : મદરેસાના નામે દાન ઉઘરાવી પાકિસ્તાન મોકલતો હતો
મૌલાના મસૂદ અઝહરના ભડકાઉ ભાષણોથી પ્રભાવિત થઈને મુજાહિદ બનવા માંગતો હતો આરોપી : ક્રિપ્ટોકરન્સી 'બાયનાન્સ' મારફતે USDT માં પાકિસ્તાની હેન્ડલર્સને પૈસા ટ્રાન્સફર કર્યાની કબૂલાત

લખનૌ: ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સીધા જોડાયેલા એક ખતરનાક શંકાસ્પદ આતંકી મોહમ્મદ ઝફરની ધરપકડ કરીને દેશવિરોધી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. મૂળ બિહારનો વતની અને મેરઠની મદરેસામાં અભ્યાસ કરી ચૂકેલો ઝફર ધાર્મિક દાનના નામે લોકો પાસેથી નાણાં એકત્રિત કરતો હતો અને આ રકમ સરહદ પાર પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી હેન્ડલર્સને મોકલતો હતો. ૧૬ ઓગસ્ટે થયેલી આ ધરપકડ બાદ એટીએસને તેના મોબાઈલમાંથી અનેક પાકિસ્તાની જેહાદી વોટ્સએપ ગ્રૂપ, ગુપ્ત ડેટા અને ભડકાઉ સામગ્રી મળી આવી છે, જેના આધારે તેની સામે યુએપીએ (UAPA) હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.
પૂછપરછ દરમિયાન મોહમ્મદ ઝફરે સ્વીકાર્યું હતું કે તે મદરેસામાં અભ્યાસ દરમિયાન કટ્ટરપંથી સાહિત્ય વાંચીને જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરથી અત્યંત પ્રભાવિત થયો હતો. તે પોતે 'મુજાહિદ' બનીને ભારતમાં હિંસક જેહાદ ફેલાવવાનું સ્વપ્ન જોઈ રહ્યો હતો. આ હેતુ માટે તેણે સોશિયલ મીડિયા પર ફેસબુક આઈડી દ્વારા મોં ઢાંકીને જેહાદ અને ખિલાફત સંબંધિત ઉશ્કેરણીજનક પોસ્ટ્સ શેર કરવાનું શરૂ કર્યું હતું. મસૂદ અઝહરના ઝેરીલા ભાષણો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તે ભારતના સ્થાનિક યુવાનોને પણ આતંકવાદના માર્ગે ધકેલવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ફંડિંગના નેટવર્કનો ખુલાસો કરતા એટીએસે જણાવ્યું કે પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં આવ્યા બાદ ઝફરે શરૂઆતમાં બેંક ખાતા દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેણે આતંકી ફંડિંગ માટે ક્રિપ્ટોકરન્સીનો સહારો લીધો અને 'બાયનાન્સ' એકાઉન્ટ દ્વારા USDT (ટેધર) માં પાકિસ્તાની આતંકવાદીઓને અનેકવાર નાણાં મોકલ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ ઝફરને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની સાથે જોડાયેલા અન્ય સ્થાનિક મોડ્યુલ અને સ્લીપર સેલનો પર્દાફાશ કરી શકાય.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
