News of Monday, 17th August 2026
સોપારીના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર-૧: કેરળ અને બંગાળને પછાડી કર્ણાટક બન્યું દેશનું 'સોપારી હબ'
વિશ્વના ૬૩% ઉત્પાદન સાથે ભારતનો વૈશ્વિક દબદબો : યુએઈ, મલેશિયા અને અમેરિકા સુધી ભારતીય સોપારીની ભારે માંગ વચ્ચે ઉત્પાદનમાં ભૌગોલિક અને ટેકનોલોજીકલ પરિબળોની મહત્વની ભૂમિકા

બેંગલુરુ: વિશ્વભરમાં મુખવાસથી લઈને ધાર્મિક કાર્યોમાં ઉપયોગમાં લેવાતી સોપારી (બીટલ નટ) ના ઉત્પાદનમાં ભારત વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમે આવે છે. સમગ્ર વિશ્વમાં થતા કુલ ઉત્પાદનમાંથી એકલું ભારત ૬૩ ટકા હિસ્સો ધરાવે છે. યુનાઇટેડ આરબ અમીરાત (UAE), મલેશિયા, માલદીવ, નેપાળ અને અમેરિકા જેવા દેશોમાં ભારતીય સોપારીની વિપુલ પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. જો કે, દેશની અંદર સોપારીના સપ્લાયની વાત આવે ત્યારે કેરળ કે પશ્ચિમ બંગાળ નહીં, પરંતુ કર્ણાટક રાજ્ય અગ્રેસર છે. સરકારી આંકડા મુજબ કર્ણાટક ૬.૭૬ લાખ હેક્ટર વિસ્તારમાંથી વાર્ષિક ૧ મિલિયન ટનથી વધુ સોપારીનું ઉત્પાાદન કરીને દેશના સોપારી ક્ષેત્ર પર પોતાનો દબદબો જાળવી રહ્યું છે.
કર્ણાટકની આ અભૂતપૂર્વ સફળતા પાછળ ત્યાંની અનુકૂળ ભૌગોલિક સ્થિતિ અને આબોહવા મુખ્ય કારણ છે. સોપારીની ખેતી માટે ભેજવાળી, ગરમ આબોહવા અને ભારે વરસાદની જરૂર હોય છે. કર્ણાટકનો પશ્ચિમ ઘાટ પ્રદેશ, ખાસ કરીને ઉત્તર કન્નડ, દક્ષિણ કન્નડ અને શિવમોગા જિલ્લાઓ આ માટે કુદરતી રીતે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે. આ ઉપરાંત, કર્ણાટકના ખેડૂતો પેઢીઓથી સોપારીની ખેતી સાથે જોડાયેલા છે અને 'તીર્થહલ્લી' જેવી શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સ્થાનિક જાતોનું ઉત્પાદન કરે છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અદ્યતન સંશોધન અને સુધારેલા બીજ પૂરા પાડવામાં આવતા ઉત્પાદકતામાં મોટો વધારો થયો છે.
માત્ર સાનુકૂળ હવામાન જ નહીં, પરંતુ કર્ણાટકનું મજબૂત સહકારી માળખું (Cooperative Network) પણ સોપારી ઉદ્યોગની કરોડરજ્જુ બન્યું છે. સુધારેલી સિંચાઈ પદ્ધતિઓ અને મેંગલુરુ જેવા શહેરોમાં ઉપલબ્ધ આધુનિક ક્લીનિંગ અને ગ્રેડિંગ સુવિધાઓને કારણે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે છે. જો કે, તાજેતરના સમયમાં પીળા પાંદડાનો રોગ અને અણધાર્યા વિષમ વાતાવરણ જેવા પડકારો સામે આવ્યા છે, જેના ઉકેલ માટે સરકાર પણ સક્રિય બની છે. તમામ પડકારો વચ્ચે પણ ભૌગોલિક સાનુકૂળતા, અનુભવી ખેડૂતો અને તકનીકી ટેકાના બળે કર્ણાટક આજે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોપારી ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
