<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

તહેવારોમાં એરલાઈન્સના મનસ્વી ભાડા વધારા પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ: નિયમો નહીં પાળે તો ફ્લાઈટ્સ બંધ કરી દેવા આકરો આદેશ!

દિવાળી અને છઠ પૂજામાં વિમાન ટિકિટના આસમાને પહોંચતા ભાવ અંગે સર્વોચ્ચ અદાલતની આકરી ટિપ્પણી; કેન્દ્ર સરકાર ૩ અઠવાડિયામાં રજૂ કરશે નવી ભાડા નીતિ

નવી દિલ્હી : તહેવારોની મોસમમાં હવાઈ મુસાફરો પાસેથી મનસ્વી રીતે અસહ્ય ભાડું વસૂલતી એરલાઈન્સ કંપનીઓ સામે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. દિવાળી અને છઠ પૂજા જેવા મુખ્ય તહેવારો દરમિયાન એરલાઈન્સ દ્વારા ટિકિટના ભાવમાં કરાતા જંગી વધારા અંગેની એક અરજી પર સુનાવણી કરતા ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની ખંડપીઠે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો એરલાઈન્સ મુસાફરોના હિત અને નિયમોનું પાલન નહીં કરે તો તેમની ફ્લાઈટ્સ ગ્રાઉન્ડેડ (રદ) કરી દેવી જોઈએ.

 

સર્વોચ્ચ અદાલતે સખત શબ્દોમાં અવલોકન કર્યું હતું કે સામાન્ય દિવસોમાં થોડા હજાર રૂપિયામાં મળતી ટિકિટ તહેવારોના સમયે અનેક ગણી મોંઘી કરી દેવી એ મુસાફરોનું સીધું શોષણ છે. બજારની માંગ અને ગતિશીલ ભાડાના નામે એરલાઈન્સ કંપનીઓ પોતાની મરજી મુજબ ભાડા નક્કી કરી શકે નહીં. અરજદાર એસ. લક્ષ્મીનારાયણન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરાયો હતો કે ખાનગી એરલાઈન્સ મૂળ ટિકિટ સિવાય વિવિધ હિડન ચાર્જિસ લાદીને અન્યાયી લૂંટ ચલાવે છે, જેના પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.

 

આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકે અદાલતને ખાતરી આપી હતી કે એરફેર અને ટેરિફ અંગેના નવા નિયમો બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. સરકારે આ નીતિ રજૂ કરવા માટે ૩ અઠવાડિયાનો સમય માગ્યો હતો, જેને કોર્ટે મંજૂર રાખીને આગામી સુનાવણી ૭ સપ્ટેમ્બરના રોજ નક્કી કરી છે. અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે નવી નીતિ માત્ર કાગળ પર રહેવાને બદલે જમીની સ્તરે મુસાફરોને મનસ્વી ભાડાંથી વાસ્તવિક રાહત અપાવનારી હોવી જોઈએ, અન્યથા નિયમભંગ કરનારી એરલાઈન્સ સામે માત્ર દંડ જ નહીં પરંતુ ફ્લાઈટ્સ બંધ કરવા સુધીના આકરાં પગલાં લેવાશે.

(8:15 PM IST)