<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

૫ મહિનામાં ૨૨ અપરાધીઓને ફાંસીની સજા સંભળાવનારા જજ રવિ કુમાર દિવાકર પોતાની સુરક્ષા અંગે ચિંતિત, સંમતિ વિના ગનર બદલાતા ડીજીપીને પત્ર લખીને વ્યક્ત કર્યો ગંભીર આક્રોશ!

જ્ઞાનવાપી કેસની સુનાવણી કરનારા વિશેષ ન્યાયાધીશે આતંકવાદી કાવતરા અને અગાઉ મળેલી ધમકીઓનો હવાલો આપી સુરક્ષામાં મોટી ચૂક હોવાની દર્શાવી આશંકા

મુઝફ્ફરનગર : ન્યાયિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવતી એક ઘટનામાં, મુઝફ્ફરનગરના ફાસ્ટ ટ્રેક કોર્ટ નંબર ૩ના વિશેષ ન્યાયાધીશ (NDPS એક્ટ) અને અધિક જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે પોતાની સુરક્ષાને લઈને અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. માત્ર પાંચ મહિનાના ટૂંકા કાર્યકાળમાં ૨૨ ગુનેગારોને મૃત્યુદંડની આકરી સજા ફટકારી ચૂકેલા અને અગાઉ ચર્ચિત જ્ઞાનવાપી કેસની મહત્વપૂર્ણ સુનાવણી કરનારા ન્યાયાધીશે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ને સત્તાવાર પત્ર પાઠવ્યો છે. તેમણે સણસણતો આરોપ લગાવ્યો છે કે તેમની સુરક્ષામાં તૈનાત ગનરને તેમની જાણ કે સંમતિ વિના જ અચાનક બદલી નાખવામાં આવ્યો છે, જે તેમની અને તેમના પરિવારની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું કરી શકે છે.

 

સરકારી આદેશો અને અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકા મુજબ ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરને રહેણાંક રક્ષક અને અંગત સુરક્ષા કર્મચારીઓ પૂરા પાડવામાં આવેલા છે. પોતાના પત્રમાં તેમણે ખુલાસો કર્યો હતો કે ૪ જુલાઈના રોજ તેમના ગનર, કોન્સ્ટેબલ રવિન્દ્ર સિંહ ઠાકુરેલાને મુઝફ્ફરનગરના પોલીસ મહાનિરીક્ષક ઉદલ સિંહ દ્વારા કોઈપણ સ્પષ્ટ કારણ દર્શાવ્યા વિના હટાવી દેવાયા હતા. સામાન્ય રીતે સંબંધિત ન્યાયિક અધિકારીની સંમતિ વિના ગનરની બદલી કરવામાં આવતી નથી. ન્યાયાધીશે આ બાબતને માત્ર વહીવટી પ્રક્રિયા ગણવાને બદલે ઇરાદાપૂર્વક સુરક્ષામાં કરવામાં આવેલી ગંભીર ચૂક ગણાવી છે અને આ અંગે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી છે.

 

પોતાની સુરક્ષા અંગે ઊભી થયેલી આશંકાઓને સમર્થન આપતા ન્યાયાધીશે પત્રમાં અગાઉ મળેલી આતંકવાદી ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. વર્ષ ૨૦૨૫માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા ISIS મોડ્યુલ સાથે જોડાયેલા આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન તેમની વિરુદ્ધ મોટા કાવતરાનો ખુલાસો થયો હતો. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ એટીએસ (ATS) દ્વારા નોંધાયેલા કેસમાં અદનાન ખાન નામના આરોપીએ જ્ઞાનવાપી કેસની સુનાવણી દરમિયાન તેમને સીધી ધમકી આપી હોવાનું બહાર આવ્યું હતું. ૨૦૨૨માં વારાણસીમાં પણ તેમને ધમકી મળવા અંગે કેસ નોંધાયો હતો. આવા સંવેદનશીલ ભૂતકાળને ધ્યાનમાં રાખીને અઘોષિત રીતે ગનરની બદલી કરી દેવી એ તેમની સલામતી સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.

 

(8:59 PM IST)