News of Monday, 17th August 2026
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ ફરી એકવાર પાર્ટીને રાજીનામું મોકલ્યું
તેમણે ફરી સ્પષ્ટ કર્યું કે, ગંભીર આર્થિક અને વ્યક્તિગત સંજોગોને કારણે તેઓ હવે ખાનગી ક્ષેત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે :શક્ય હોય તે રીતે વડાપ્રધાન મોદી તથા ભાજપના વિચારો અને કાર્યોને સમર્થન આપતા રહેશે.

નવી દિલ્હી :ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ ફરી એકવાર પાર્ટીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. અગાઉ 30 જુલાઈ 2026ના રોજ તેમણે આર્થિક અને વ્યક્તિગત પરિસ્થિતિઓને કારણ બનાવી ભાજપના તમામ પદો તેમજ પ્રાથમિક સભ્યપદમાંથી બિનશરતી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, ભાજપે તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકાર્યું નહોતું અને તેમને નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.
પોતાના નવા પત્રમાં પૂનાવાલાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓ અને કેટલાક વ્યક્તિઓ સાથે જોડાયેલી બાબતો અંગે તેમણે પાર્ટી નેતૃત્વને અગાઉ જ વિગતવાર માહિતી આપી હતી. આ ઘટનાઓ બાદ તેઓ પોતાના અગાઉના નિર્ણય પર અડગ રહેવા માટે મજબૂર થયા છે. તેમણે ફરી સ્પષ્ટ કર્યું કે, ગંભીર આર્થિક અને વ્યક્તિગત સંજોગોને કારણે તેઓ હવે ખાનગી ક્ષેત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જોકે, રાજકીય જવાબદારીઓથી દૂર થયા બાદ પણ તેઓ શક્ય હોય ત્યાં અને જે રીતે શક્ય હોય તે રીતે વડાપ્રધાન મોદી તથા ભાજપના વિચારો અને કાર્યોને સમર્થન આપતા રહેશે.
પૂનાવાલાએ પોતાના પત્રમાં લખ્યું કે તેઓ ભાજપની સંગઠનાત્મક વ્યવસ્થામાંથી બહાર થઈ રહ્યા છે, પરંતુ પાર્ટીની વિચારધારા અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓને નહીં. તેમણે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત પાર્ટીના અનેક નેતાઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ભાજપ અને પાર્ટીના અધ્યક્ષ નિતિન નબીનને ફરી રાજીનામું મોકલીને તેને સ્વીકારવા વિનંતી કરી છે. પૂનાવાલાએ કહ્યું કે તેઓ જે પાર્ટી અને રાષ્ટ્રીય પ્રવક્તાના પદ પર રહ્યા, તેને તેમણે ખૂબ પ્રેમ કર્યો છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
