<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

સાત દિવસમાં વિમાન ભાડાના નિયમો ફાઈનલ કરોઃ સુપ્રીમ

વિમાની કંપનીઓ ન માને તો વિમાન જમીન પર ઊભા કરાવી દોઃ સરકારને સૂચના કેન્‍દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ નિયમોનો ડ્રાફટ સીલબંધ કવરમાં રજૂ કર્યો

નવી દિલ્‍હી,તા.૧૮: દેશની એરલાઈન્‍સ કંપનીઓ તહેવારના દિવસોમાં કે ટિકિટની ભારે માંગ હોય ત્‍યારે ભાડાઓમાં તોતિગ વધારો કરી નાંખે છે. આ મામલે કેન્‍દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્‍યું હતું કે 'ભારતીય વાયુયાન અધિનિયમ, ૨૦૨૪' હેઠળ નિયમો બનાવવાનું કામ ઝડપી કરવામાં આવ્‍યું છે. આ નિયમોનો ઉદેશ્‍ય ભારતના એરલાઈન ક્ષેત્રને આધુનિક બનાવવાનો છે અને તેને ત્રણ અઠવાડિયામાં આખરી સ્‍વરૂપ આપવામાં આવશે. કેસની આગામી સુનાવણી ૭ સપ્‍ટેમ્‍બરના રોજ નક્કી કરવામાં આવી છે.

કેન્‍દ્ર સરકારે જસ્‍ટિસ વિક્રમ નાથ અને જસ્‍ટિસ સંદીપ મહેતાની બેંચ સમક્ષ નિયમોનો ડ્રાફટ સીલબંધ કવરમાં રજૂ કર્યો હતો. કેન્‍દ્રે જણાવ્‍યું કે ડ્રાફટ પર કેટલીક અંતિમ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું, ‘‘આને સાત દિવસની અંદર પ્રકાશિત કરો. જો એરલાઇન્‍સ પાલન ન કરી રહી હોય તો તેમના વિમાન જમીન પર ઊભા કરાવી દો.''

કોર્ટમાં સરકારનો પક્ષ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકે રજૂ કર્યો હતો. તેમણે જણાવ્‍યું કે નિયમો બનાવવાની પ્રક્રિયા ૩ અઠવાડિયામાં પૂરી થઈ જશે. તેમણે કોર્ટમાં ડ્રાફટ નિયમો બતાવ્‍યા. આ પછી બેંચે કહ્યું કે, ‘‘એક વ્‍યવસ્‍થા સૂચવવામાં આવી છે, પરંતુ રેગ્‍યુલેટર અંગે અમે નિヘતિ નથી.'' હવાઈ ભાડાના નિયમોને લઈને અરજી સોશિયલ એક્‍ટિવિટીસ્‍ટ એસ. લક્ષ્મીનારાયણ દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે સમગ્ર સિવિલ એવિએશન સેક્‍ટરમાં પારદર્શિતા અને મુસાફરોની સુરક્ષા માટે એક મજબૂત અને સ્‍વતંત્ર રેગ્‍યુલેટરી ઓથોરિટી બનાવવાની માંગ કરી છે. આ અરજીમાં ભારતની પ્રાઇવેટ એરલાઈન્‍સ દ્વારા હવાઈ ભાડા અને વધારાના ચાર્જના રૂપમાં થતા અસ્‍થિર ઘટાડા-વધારા પર નિયંત્રણ મેળવવા માટે ગાઈડલાઈન્‍સ તૈયાર કરવાની માંગ પણ કરવામાં આવી છે. અરજીકર્તાના વકીલે જણાવ્‍યું કે નવા નિયમો લાગુ ન થાય ત્‍યાં સુધી જૂના નિયમો જ ચાલુ છે. તેમણે વર્તમાન વ્‍યવસ્‍થા પર પણ સવાલો ઉઠાવ્‍યા હતા. એરલાઈન્‍સ ખૂબ જ વધારે ભાડું વસૂલી રહી છે.

ઉલ્‍લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૧૩ જુલાઈએ સરકારને કહ્યું હતું કે, 'ભારતીય વાયુયાન અધિનિયમ, ૨૦૨૪' હેઠળ બનાવેલા નિયમો સીલબંધ કવરમાં અમારી સમક્ષ રજૂ કરવામાં આવે, પછી ભલે તેને સંસદ સમક્ષ મૂકવામાં આવ્‍યા હોય કે નહીં.

તહેવારોમાં હવાઈ ભાડા વધવા પર કોર્ટે ચિંતા વ્‍યક્‍ત કરી

જાન્‍યુઆરીમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હવાઈ ભાડામાં થતા અનિヘતિ ઘટાડા-વધારાને લઈને હસ્‍તક્ષેપ કરવામાં આવશે. કોર્ટે તહેવારો દરમિયાન ભાડામાં થતા ખૂબ જ મોટા વધારાનો મુદ્દો પણ ઉઠાવ્‍યો હતો. કોર્ટે એરલાઇન્‍સ દ્વારા હવાઈ ભાડામાં કરવામાં આવતા અતિશય વધારાને શોષણ ગણાવ્‍યું હતું. ત્‍યારે પણ કોર્ટે કેન્‍દ્ર અને ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ને આ અરજી પર જવાબ દાખલ કરવા કહ્યું હતું.

(11:18 AM IST)