News of Tuesday, 18th August 2026
બાળ જાતીય શોષણ સામગ્રી સામે મેટાએ હાથ ધરી સૌથી કડક ઝુંબેશ: કેન્દ્ર સરકાર સાથેની મહત્ત્વપૂર્ણ બેઠકો વચ્ચે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી ગેરકાયદે કન્ટેન્ટનો ખાતમો કરવા માસ્ટરપ્લાન તૈયાર
MeitY ની લાલ આંખ: સ્થાનિક કાયદાનું પાલન ન કરનાર પ્લેટફોર્મ્સ ગુમાવશે 'સેફ હાર્બર' સુરક્ષા; હાનિકારક કન્ટેન્ટ ફરી સપાટી પર આવતું રોકવા કડક ડિજિટલ ફિલ્ટરિંગ

નવી દિલ્હી, તા.૧૮: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ડિજિટલ સુરક્ષા અને બાળ સુરક્ષાને લઈને માર્ક ઝુકરબર્ગની કંપની મેટા (Meta) એ મોટો નિર્ણય લીધો છે. ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) સાથે ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો વચ્ચે મેટા પોતાના પ્લેટફોર્મ્સ પરથી બાળ જાતીય શોષણ સામગ્રી (CSAM) ના ફેલાવા અને તેને પુનઃ અપલોડ થતી રોકવા માટે અભૂતપૂર્વ કડક પગલાં ભરી રહ્યું છે.
કેન્દ્ર સરકાર અને મેટા વચ્ચેની આ સંયુક્ત પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પરથી ગેરકાયદેસર અને ઘાતક સામગ્રીને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. ભારતીય કાયદા હેઠળ બાળ શોષણ લગતું કન્ટેન્ટ એક ગંભીર અને બિન-જામીનપાત્ર ગુનો હોવાથી, સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કન્ટેન્ટ એકવાર ડિલીટ કરવામાં આવ્યા પછી ફરીથી પ્લેટફોર્મ પર દેખાશે, તો તેને ગંભીર બેદરકારી ગણવામાં આવશે.
'સેફ હાર્બર' સુરક્ષા છીનવાઈ જવાનો ખતરો:
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેઓ સ્થાનિક કાનૂની શરતો અને નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેઓ કાયદાકીય રક્ષણ પૂરું પાડતી 'સેફ હાર્બર' (Safe Harbor Protection) સુરક્ષાનો અધિકાર ગુમાવી દેશે. આ સુરક્ષા છીનવાઈ જતાં જ કંપનીઓ યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કન્ટેન્ટ માટે સીધી રીતે જવાબદાર બનશે અને અદાલતી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
સાંસ્કૃતિક સંદર્ભ અને સેન્સરશિપ વિનાનું પાલન:
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સરકારનો હેતુ પ્લેટફોર્મ્સ પર સેન્સરશિપ લાદવાનો નથી, પરંતુ ભારતીય કાયદાઓ અને સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. પ્લેટફોર્મ્સ માટે સામાજિક હિત અને ડિજિટલ નુકસાન વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું હવે અનિવાર્ય બની ગયું છે.
વૈશ્વિક સ્તરે વધતું દબાણ:
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ડિજિટલ વ્યસન અને શોષણકારી સામગ્રીના પ્રસાર અંગે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના નિયમનકારો અને અદાલતોમાં ચકાસણી તેજ થઈ ગઈ છે. ભારત સરકાર પોતાની વૈધાનિક સત્તાનો સંયમપૂર્વક ઉપયોગ કરીને વપરાશકર્તાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કંપનીઓ પાસે વધુ જવાબદારીની માગ કરી રહી છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
