News of Tuesday, 18th August 2026
ટાટા ગ્રુપના ૧૬૮ વર્ષના ઈતિહાસમાં પ્રથમ ઘટના: ટાટા સન્સની AGM જરૂરી કોરમ વગર રદ, ટાટા ટ્રસ્ટ્સ વચ્ચેના કાનૂની વિવાદ વચ્ચે બોર્ડની બેઠકમાં મોટો ધડાકો
મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરના પ્રતિબંધોને પગલે દોરાબજી અને રતન ટાટા ટ્રસ્ટ સંયુક્ત પ્રતિનિધિ નીમી ન શક્યા; ૩૦ મિનિટમાં જ વાર્ષિક સામાન્ય સભા મુલતવી રાખવાની પડી ફરજ

મુંબઈ, તા.૧૮: ટાટા ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની 'ટાટા સન્સ'ના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન બની હોય તેવી અભૂતપૂર્વ અને આંચકાજનક ઘટના સામે આવી છે. ટાટા સન્સની ૧૦૮મી વાર્ષિક સામાન્ય સભા (AGM) જરૂરી 'કોરમ' (ન્યૂનતમ સભ્યોની હાજરી) પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેતા આખરે રદ કરીને મુલતવી રાખવી પડી છે. ૧૬૮ વર્ષ જૂના કોર્પોરેટ જૂથના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોરમ ન હોવાને કારણે વાર્ષિક સામાન્ય સભા સ્થગિત કરવાની નોબત આવી હોય.
આ સમગ્ર વિવાદના મૂળમાં ટાટા સન્સના બે સૌથી મોટા શેરધારકો - સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ વચ્ચેનો આંતરિક વહીવટી વિવાદ છે. આ બંને ટ્રસ્ટો મળીને ટાટા સન્સમાં અંદાજે પ૧.૫% નો મોટો હિસ્સો ધરાવે છે. મહારાષ્ટ્ર ચેરિટી કમિશનર દ્વારા સર રતન ટાટા ટ્રસ્ટની બેઠકો પર મુકવામાં આવેલા કાનૂની પ્રતિબંધોના કારણે, બંને ટ્રસ્ટો સંયુક્ત રીતે AGM માટે પોતાના પ્રતિનિધિની નિમણૂક કરી શક્યા ન હતા, જેનાથી બોર્ડ મીટિંગ માટે કાનૂની કોરમ પૂરો થઈ શક્યો ન હતો.
૩૦ મિનિટમાં બેઠક રદ કરવી પડી:
મુંબઈ સ્થિત મુખ્યાલય 'બોમ્બે હાઉસ' ખાતે નિર્ધારિત સમય મુજબ બપોરે ૨:૩૦ વાગ્યે વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ હતી. જોકે, શરૂઆતના અડધા કલાક દરમિયાન કાનૂની રીતે જરૂરી સભ્યોની હાજરી ન નોંધાતા બપોરે ૩:૦૦ વાગ્યે સભા અધિકૃત રીતે મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં વિદાય લેતા ચેરમેન એન. ચંદ્રશેખરન, બોર્ડના સભ્યો સૌરભ અગ્રવાલ અને અનિતા મારાંગોલી જ્યોર્જ રૂબરૂ હાજર રહ્યા હતા.
નોએલ ટાટા અને મેહલી મિસ્ત્રી ઓનલાઈન જોડાયા:
કોર્પોરેટ જગતની નજર જેમના પર હતી તેવા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન નોએલ ટાટા, ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ હરીશ મનવાણી અને વેણુ શ્રીનિવાસન સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ ઉપરાંત, સ્વર્ગસ્થ રતન ટાટાના વસિયતનામાના એક્ઝિક્યુટર તરીકે મેહલી મિસ્ત્રીએ પણ ઓનલાઈન હાજરી આપી હતી. ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચે ચાલી રહેલા વહીવટી અને કારોબારી વિવાદો વચ્ચે આ ઘટનાએ કોર્પોરેટ ગવર્નન્સ સામે નવા સવાલો ઊભા કર્યા છે. હવે કંપનીનું બોર્ડ ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરશે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
