<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

Gen Z વિરોધ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને રાહતરૂપ નિર્ણય: વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાનો સંકેત આપતાં કહ્યું, 'લાખો માસૂમ યુવાનોનું ભવિષ્ય દાવ પર ન લગાવી શકાય'

ગંભીર ગુનાહિત ભૂતકાળ ધરાવતા અસામાજિક તત્વો અને શાંતિપૂર્ણ વિરોધ કરનાર વિદ્યાર્થીઓ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરતી બેન્ચ; તપાસ માટે ભૂતપૂર્વ જજ અને DGP ની હાઇ-પાવર સમિતિ રચાશે

નવી દિલ્હી, તા.૧૮: દેશભરમાં પરીક્ષાના પેપર લીક અને શૈક્ષણિક ગેરરીતિઓ સામે ગયા મહિને શરૂ થયેલા 'જનરલ ઝેડ' (Gen Z) ના વિરોધ પ્રદર્શનો દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા પોલીસ કેસો અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે વિરોધ પ્રદર્શનમાં સામેલ નિર્દોષ વિદ્યાર્થીઓ સામેની તમામ એફઆઈઆર (FIR) રદ કરવાની દિશામાં કોર્ટ વિચારણા કરી રહી છે, કારણ કે આ મુદ્દો દેશના હજારો યુવાનોના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે.

 

ગંભીર અપરાધીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે તફાવત:

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નિર્દેશ કર્યો હતો કે શાંતિપૂર્ણ રીતે બંધારણીય અધિકાર (કલમ ૧૯) હેઠળ અવાજ ઉઠાવનારા વિદ્યાર્થીઓને કઠોર ગુનેગારોની શ્રેણીમાં મૂકી શકાય નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કોર્ટની વાતને ટેકો આપતાં જણાવ્યું હતું કે હત્યા, બળાત્કાર કે અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આશરે ૨,૮૭૩ અસામાજિક તત્વો સિવાય સામાન્ય વિદ્યાર્થીઓ સામેના કેસો પાછા ખેંચી લેવા જોઈએ. કોર્ટે વિદ્યાર્થીઓ પાસે 'પસ્તાવો કે માફીના સોગંદનામા' માંગવાની વકીલોની દલીલને પણ સખત શબ્દોમાં ફગાવી દીધી હતી.

 

હાઇ-પાવર કમિટી અને પોલિસ બળપ્રયોગની તપાસ:

મુખ્ય ન્યાયાધીશે જાહેરાત કરી હતી કે આ સમગ્ર ઘટનાક્રમ, પોલીસ હિંસાના આરોપો અને વિદ્યાર્થીઓની સુરક્ષાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ, હાઇકોર્ટના નિવૃત્ત જજ અને ભૂતપૂર્વ ડીજીપી (DGP) ની બનેલી એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. મહિલા વિરોધીઓને ઓનલાઈન મળેલી બળાત્કારની ધમકીઓ, સાદા પોશાકમાં રહેલા પોલીસ કર્મચારીઓ દ્વારા કરાયેલ બળપ્રયોગ અને ચહેરાની ઓળખ તકનીક (Facial Recognition) ના ઉપયોગ અંગે પણ આ કમિટી તપાસ હાથ ધરશે.

 

ડિજિટલ પુરાવા સાચવવા અને નાબાલિકોને મુક્ત કરવા આદેશ:

સુપ્રીમ કોર્ટે દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોને વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા CCTV ફૂટેજ, ડ્રોન વિડીયો, બોડી કેમેરા રેકોર્ડિંગ્સ અને વાયરલેસ લોગ સાચવી રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, કોઈ પણ ગુનાહિત ઈતિહાસ ન ધરાવતા ૧૮ વર્ષથી ઓછી વયના તમામ અટકાયતમાં લેવાયેલા બાળકોને સાદા બોન્ડ પર તાત્કાલિક મુક્ત કરવા રાજ્યોને કડક સુચના આપી છે.

 

(4:33 PM IST)