<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

કેનેડામાં ભારતીય મૂળના વ્યક્તિની શર્મનાક કરતૂત: પાર્કમાં યુવતી પર જાતીય હુમલાના આરોપમાં ૪૦ વર્ષીય જગેન્દ્ર કુરાનાની ધરપકડ, કોર્ટે જામીન અરજી ફગાવી કસ્ટડીમાં મોકલ્યો

સરે શહેરના બેર ક્રીક પાર્કમાં બનેલી ઘટનાથી ખળભળાટ; પોલીસે ફોટોગ્રાફ્સ જાહેર કર્યા બાદ આરોપીની ઓળખ થઈ, બ્રિટિશ કોલંબિયા પ્રોસિક્યુશન સર્વિસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો

સરે (કેનેડા), તા.૧૮: કેનેડાના બ્રિટિશ કોલંબિયા રાજ્યના સરે શહેરમાંથી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. જાહેર પાર્કમાં એક યુવતી પર કથિત જાતીય હુમલો (સેક્સ્યુઅલ એસોલ્ટ) કરવાના ગંભીર આરોપસર ૪૦ વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિ જગેન્દ્ર કુરાના સામે કેનેડિયન પોલીસે બે સખત કાનૂની આરોપો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. આ ઘટના બાદ સ્થાનિક સમુદાય અને ભારતીય ડાયસ્પોરામાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઈ છે.

 

પાર્કમાં બનેલી સનસનાટીભરી ઘટના:

સરે પોલીસ સર્વિસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ ઘટના ૯ ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ 'બેર ક્રીક પાર્ક' (Bear Creek Park) માં બની હતી. યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે એક અજાણ્યા પુખ્ત પુરુષે તેની નજીક આવીને તેની અસંમતિથી તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો અને જાતીય સતામણી કર્યા બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેનેડિયન પોલીસે તાત્કાલિક વિશેષ તપાસ હાથ ધરી હતી.

 

ફોટોગ્રાફ્સ જાહેર કરાતાં આરોપી પકડાયો:

તપાસ દરમિયાન સરે પોલીસે શંકાસ્પદ હુમલાખોરના સીસીટીવી સ્કેન કરીને ફોટોગ્રાફ્સ અને વર્ણન સાથેની જાહેર અપીલ જારી કરી હતી. સ્થાનિક નાગરિકોની મદદથી વર્ણન સાથે મેળ ખાતા ૪૦ વર્ષીય જગેન્દ્ર કુરાનાની ઓળખ થઈ હતી અને પોલીસે ૧૨ ઓગસ્ટના રોજ તેની ધડપકડ કરી લીધી હતી. ત્યારબાદ બ્રિટિશ કોલંબિયા પ્રોસિક્યુશન સર્વિસે તેની સામે ક્રિમિનલ કોડ હેઠળ 'જાતીય હુમલો' અને 'જાતીય હસ્તક્ષેપ' (Sexual Interference) ના બે મુખ્ય આરોપો મંજૂર કર્યા હતા.

 

કોર્ટે જામીન અરજી પર સુનાવણી સુધી કસ્ટડીમાં મોકલ્યો:

ધરપકડ બાદ આરોપી કુરાનાને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જેલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કથિત હુમલાની ઊંડાણપૂર્વકની તપાસ હજુ પણ ચાલુ છે અને આ મામલે તમામ ડિજિટલ તથા ફોરેન્સિક પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

(4:44 PM IST)