<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો: દક્ષિણ સુદાનમાં ઉત્કૃષ્ટ સેવા બદલ ૨૧૦ ભારતીય શાંતિરક્ષકોને પ્રતિષ્ઠિત 'યુએન મેડલ' થી નવાજવામાં આવ્યા

૬ મહિલા અને ૭ સ્ટાફ ઓફિસર્સ સહિતના 'બ્લુ હેલ્મેટ્સ' ની હિંમત અને કરુણાને સંયુક્ત રાષ્ટ્રની સલામી; કટોકટીમાં જીવ બચાવવાના મિશન પાર પાડી સર્જ્યો ઈતિહાસ

જુબા (દક્ષિણ સુદાન), તા.૧૮: સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન (UNMISS) હેઠળ આફ્રિકી દેશ દક્ષિણ સુદાનમાં તૈનાત ભારતીય સેનાના જવાનોએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ભારતનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે. દક્ષિણ સુદાનના જુબા ખાતે આયોજિત એક વિશેષ સન્માન સમારોહમાં અસાધારણ માનવતાવાદી સેવા, હિંમત અને શાંતિ સ્થાપવાના ઉત્કૃષ્ટ પ્રયાસો બદલ ૨૧૦ ભારતીય શાંતિરક્ષકોને પ્રતિષ્ઠિત 'યુએન મેડલ' (UN Medal) થી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

૬ મહિલા સૈનિકો અને ૭ સ્ટાફ ઓફિસર્સનો સમાવેશ:

દક્ષિણ સુદાનમાં સ્થિત યુએન મિશને પોતાના સત્તાવાર નિવેદનમાં આ ક્ષણને ભારતના 'બ્લુ હેલ્મેટ્સ' (શાંતિ સૈનિકો) માટે અત્યંત ગૌરવપૂર્ણ ગણાવી હતી. સન્માનિત કરાયેલા ૨૧૦ શાંતિરક્ષકોમાં ૬ જાંબાઝ મહિલા સૈનિકો અને ૭ ઉચ્ચ સ્ટાફ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. મિશને ઉમેર્યું હતું કે ભારતીય શાંતિરક્ષકોની ત્વરિત તબીબી સેવાઓ, સંકટના સમયે જીવ બચાવવાની કામગીરી અને સ્થિરતા લાવવાના સમર્પણે હજારો નાગરિકોના જીવનનું રક્ષણ કર્યું છે.

 

UN પીસકીપિંગમાં ભારતનો વિશ્વમાં દબદબો:

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશન્સમાં ગણવેશધારી લશ્કરી અને પોલીસ કર્મચારીઓ મોકલવામાં ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું યોગદાન આપનાર રાષ્ટ્ર છે. હાલમાં ૧૫૫ મહિલા સૈનિકો સહિત ૪,૨૦૦ થી વધુ ભારતીય જવાનો વિશ્વના વિવિધ અશાંત વિસ્તારો જેવા કે લેબનોન, કોંગો, સોમાલિયા, સાયપ્રસ અને દક્ષિણ સુદાનમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.

 

દક્ષિણ સુદાનમાં સૌથી મોટું ભારતીય સૈન્ય દળ:

સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS) માં ભારત સૌથી મોટો લશ્કરી સહયોગી દેશ રહ્યો છે, જેમાં ૧,૭૭૫ થી વધુ ભારતીય સૈન્ય કર્મચારીઓ રણચંડી અને વિષમ પરિસ્થિતિઓમાં પણ શાંતિ અને સુરક્ષા જાળવવા રાત-દિવસ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

 

(4:49 PM IST)