News of Tuesday, 18th August 2026
દાવો કે દાવપેચ? હોર્મુઝ સ્ટ્રેટ પર ટ્રમ્પના એક નક્શાએ મધ્ય પૂર્વમાં લાવ્યો નવો ભૂકંપ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર હોર્મુઝ સ્ટ્રેટનો AI-જનરેટેડ નક્શો પોસ્ટ કરી તેને "નવો યુએસ ટેરિટરી" ગણાવતા જ વૈશ્વિક રાજકારણ અને ક્રૂડ ઓઇલના બજારમાં નવો વિવાદ સર્જાયો : સામે પક્ષે ઈરાને પણ આ દાવાને માત્ર ટ્વીટ યુદ્ધ ગણાવી પલટવાર કર્યો

તેહરાન : ટ્રમ્પે પોતાના મનપસંદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક એવો ગ્રાફિકલ નક્શો શેર કર્યો છે, જેણે પર્શિયન ગલ્ફમાં ચાલતા તણાવને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ નક્શામાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલા અત્યંત વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પર વાદળી રંગનું વર્તુળ કરીને તેની ઉપર સ્પષ્ટ શબ્દોમાં "નવો યુએસ ટેરિટરી" લખવામાં આવ્યું છે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકી નૌકાદળની લોખંડી નાકાબંધીના કારણે હવે આ વિસ્તાર પર યુએસનું સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાની લશ્કરી તાકાત નાશ પામી હોવાથી તે અમેરિકાનો નવો પ્રદેશ બનવા જઈ રહ્યો છે.
ટ્રમ્પના આ નાટ્યાત્મક ધડાકા સામે ઈરાને પણ તીખો વળતો પ્રહાર કરતા કહ્યું છે કે કોઈ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કે સ્ટ્રેટ માત્ર "ટ્વીટ" કરવાથી કે એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરવાથી કોઈ દેશની માલિકીનો બની જતો નથી. ઈરાની નેતાઓએ ટ્રમ્પની મજાક ઉડાવતા જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિએ આવી સપનાની દુનિયામાં જીવવાને બદલે પોતાની સુરક્ષાની ચિંતા કરવી જોઈએ. ઈરાનના મતે હોર્મુઝ સ્ટ્રેટ ઈતિહાસથી લઈને ભવિષ્ય સુધી ઈરાની જ રહ્યો છે અને રહેશે, તેમજ જ્યાં સુધી યુએસ તમામ આર્થિક અને લશ્કરી અંકુશો પાછા નહીં ખેંચે ત્યાં સુધી આ દરિયાઈ માર્ગ પરથી ટ્રાફિક પૂર્વવત નહીં થાય.
વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ જે સાંકડા માર્ગ પરથી પસાર થાય છે, તે હોર્મુઝ સ્ટ્રેટ પર અચાનક "અમેરિકી પ્રદેશ"નો દાવો કરવો એ માત્ર એક રાજકીય નિવેદન નથી પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટો સંકેત છે. આ રાજકીય અને લશ્કરી વાગ્યુદ્ધના કારણે વિશ્વભરના આંતરરાષ્ટ્રીય શેરબજારો અને ઓઇલ સપ્લાય ચેઇનમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પનો આ દાવો માત્ર ઈરાન પર દબાણ બનાવવાની વ્યૂહરચના છે કે પછી મધ્ય પૂર્વમાં કોઈ નવા મોટા યુદ્ધના એંધાણ.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
