<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ: સમાધાન માટેની વાટાઘાટો બીજી વાર નિષ્ફળ, હિન્દુ પક્ષે સ્પષ્ટ સંભળાવ્યું - 'મસ્જિદ માટે એક ઇંચ જમીન પણ નહીં આપીએ'

મુસ્લિમ પક્ષની ગેરહાજરી બાદ મથુરા મેડિએશન સેન્ટરમાં મધ્યસ્થતાની પ્રક્રિયા અટકી; હવે ૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં થશે મહત્વપૂર્ણ અને આખરી સુનાવણી

મથુરા : મથુરાના બહુચર્ચિત અને સંવેદનશીલ શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી મસ્જિદ ઈદગાહ જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ યોજાયેલી સમાધાનની વાટાઘાટો ફરી એકવાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. મંગળવારે મથુરા સ્થિત મધ્યસ્થતા કેન્દ્ર (મેડિએશન સેન્ટર) ખાતે વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાવાનો હતો, પરંતુ મુસ્લિમ પક્ષ તરફથી કોઈ પ્રતિનિધિ હાજર ન રહેતાં સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. આ અગાઉ ૭ ઓગસ્ટના રોજ યોજાયેલી પ્રથમ તબક્કાની બેઠક પણ બિનનતીજા રહી હતી.

 

હિન્દુ પક્ષે જમીન આપવાની ઓફર પાછી ખેંચી:

શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ટ્રસ્ટના પ્રમુખ અને હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહે પોતાનું વલણ અત્યંત કડક બનાવતા સ્પષ્ટ કર્યું છે કે મુસ્લિમ પક્ષને શરૂઆતમાં જે વૈકલ્પિક જમીન આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તે હવે પાછો ખેંચી લેવાયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમગ્ર વિવાદિત જમીન શ્રી કૃષ્ણ જન્મભૂમિની જ છે અને હવે મસ્જિદ માટે એક ઇંચ જમીન પણ અન્યત્ર આપવામાં આવશે નહીં.

 

દસ્તાવેજોના અભાવે મુસ્લિમ પક્ષ ભાગી રહ્યો હોવાનો દાવો:

કેસના અન્ય એક હિન્દુ પક્ષકાર દિનેશ ફલાહારીએ મુસ્લિમ પક્ષની ગેરહાજરી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મુસ્લિમ પક્ષ પાસે વિવાદિત સ્થળ કે મસ્જિદની માલિકી સંબંધિત કોઈ નક્કર કાનૂની દસ્તાવેજો નથી. આ જ કારણ છે કે તેઓ વારંવાર કોર્ટની કાર્યવાહી અને સમાધાનની વાટાઘાટોથી દૂર ભાગી રહ્યા છે. ફલાહારીએ ઉમેર્યું કે તેમણે અગાઉ મેવાતમાં જમીન આપીને મસ્જિદ નિર્માણનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ હવે સમાધાનના તમામ દરવાજા બંધ થઈ ગયા છે.

 

હવે સુપ્રીમ કોર્ટ પર દેશભરની નજર:

મધ્યસ્થતાની પ્રક્રિયા નિષ્ફળ જતાં કોર્ટે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે આ ઐતિહાસિક અને મહત્ત્વના જમીન વિવાદ અંગે ૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) માં સીધી સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

(6:38 PM IST)