હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના મોટી ખાવડીમાં યુવકનો આપઘાત 12:27 PM

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી જાહેર સેવાના પોતાના સફળ અને ઐતિહાસિક ૨૫ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. પ્રથમ વખત ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા મોદીએ ૧૩ વર્ષથી વધુ સમય સુધી રાજ્યનું નેતૃત્વ કર્યું અને ત્યારબાદ ૨૬ મે, ૨૦૧૪થી સતત દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. આ અભૂતપૂર્વ રાજકીય અને સેવાકીય સફરના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં એક મેગા આયોજનનો નિર્ણય લીધો છે, જેને 'સેવા સંકલ્પ મહોત્સવ' નામ આપવામાં આવ્યું છે.
આ ૧૫ દિવસીય રાષ્ટ્રવ્યાપી મહોત્સવ દરમિયાન પાર્ટી દ્વારા દેશના દરેક ખૂણે લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓનું વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં રક્તદાન શિબિરો, મોટા પાયે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને મફત આરોગ્ય તપાસ કેમ્પ યોજાશે. આ ઉપરાંત, પીએમ મોદીના ૨૫ વર્ષના સુશાસન, વિકાસ મોડેલ અને 'અંત્યોદય'ના વિઝનને ઉજાગર કરતી ખાસ ડિજિટલ તથા ફોટો પ્રદર્શનો અને પ્રબુદ્ધ નાગરિકો માટે બૌદ્ધિક પરિષદોનું પણ આયોજન કરવામાં આવશે.
આ ભવ્ય મહોત્સવના સુચારૂ સંચાલન માટે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને કેન્દ્રીય કન્વીનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. દરેક રાજ્યમાં આ આયોજનને સફળ બનાવવા માટે સાત સભ્યોની વિશેષ ટીમ બનાવવામાં આવશે, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને સંગઠનના વરિષ્ઠ નેતાઓ સામેલ હશે. ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીઓમાં ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવનાર અને બાદમાં દેશને આંતરરાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ અપાવનાર પીએમ મોદીના ૨૫ વર્ષના નેતૃત્વને આ ઉજવણી દ્વારા યુવા પેઢી સુધી પહોંચાડવાનો ભાજપનો ધ્યેય છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના મોટી ખાવડીમાં યુવકનો આપઘાત 12:27 PM