<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ગ્લેન મેક્સવેલ અને વિની રમણના ઘરે નાની પરીનું આગમન: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે બીજા બાળકનું કર્યું સ્વાગત, સોશિયલ મીડિયા પર પુત્રીની ક્યૂટ તસવીર વાયરલ

મેક્સવેલ પરિવારે દીકરીનું નામ 'માયા મેક્સવેલ' રાખ્યું; ગૌતમ ગંભીરથી લઈને વિશ્વભરના ક્રિકેટરો અને ચાહકોએ પાઠવ્યા અભિનંદન

સિડની : ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને તેની ભારતીય મૂળની પત્ની વિની રમણના ઘરે એક સુંદર બાળકીનો જન્મ થયો છે. આ દંપતી બીજી વખત માતા-પિતા બન્યું છે. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવજાત પુત્રીની અત્યંત ક્યૂટ તસવીર શેર કરીને મેક્સવેલે પોતાના ચાહકો સાથે આ ખુશખબર શેર કર્યા હતા.

 

"આપણા સપનાની પુત્રી આવી ગઈ":

મેક્સવેલ અને વિનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, "આપણા સપનાની પુત્રી આવી ગઈ છે - માયા મેક્સવેલ (Maya Maxwell)." પોતાના ઘરે નાની પરીના આગમનની આ જાહેરાત બાદ તુરંત જ વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત વિશ્વભરના સાથી ક્રિકેટરો, આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ અને લાખો ચાહકોએ આ દંપતીને સોશિયલ મીડિયા પર વધામણી અને શુભેચ્છાઓ આપવાનું શરૂ કર્યું છે.

 

બીજી વાર માતા-પિતા બન્યું આ દંપતી:

નોંધનીય છે કે, માયા પહેલાં ગ્લેન મેક્સવેલ અને વિની રમણ એક પુત્રના માતા-પિતા છે. તેમના પુત્ર 'લોગન મેવેરિક મેક્સવેલ'નો જન્મ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ થયો હતો. ગ્લેન અને વિની પ્રથમ વાર ડિસેમ્બર ૨૦૧૩ માં મળ્યા હતા. લાંબા સમયની મિત્રતા બાદ ૨૦૧૭ માં તેમણે પોતાના સંબંધો જાહેર કર્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૦ માં બંનેએ સગાઈ કરી હતી અને ૨૭ માર્ચ, ૨૦૨૨ ના રોજ મેલબોર્નમાં વિવાહબંધનમાં બંધાયા હતા.

 

તમિલ બ્રાહ્મણ રીત-રિવાજ મુજબ થયા હતા લગ્ન:

ગ્લેન મેક્સવેલ અને વિની રમણે મેલબોર્નમાં બે અલગ-અલગ સંસ્કૃતિ મુજબ લગ્ન યોજ્યા હતા. પ્રથમ પરંપરાગત ક્રિશ્ચિયન પદ્ધતિથી અને ત્યારબાદ તમિલ બ્રાહ્મણ સમારોહ અનુસાર ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન સંપન્ન થયા હતા. તમિલ લગ્ન દરમિયાન મેક્સવેલ પારંપરિક દક્ષિણ ભારતીય પોશાક અને સોનેરી શેરવાનીમાં સજ્જ જોવા મળ્યા હતા, જે તસવીરોએ તે સમયે સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી હતી.

(7:11 PM IST)