<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

'ત્રીજું મુંબઈ' બનાવવા તૈયારી : રાયગઢ જિલ્લાના ઉરણ, પેણ અને પનવેલ તાલુકાના 124 ગામોને જોડીને નવું સ્માર્ટ સિટી વિકસાવાશે

323.44 ચોરસ કિ.મી. વિસ્તારમાં આ ગ્રીનફિલ્ડ સિટી બનાવાશે :સિંગાપોરની કંપની તૈયાર કરી રહી છે માસ્ટરપ્લાન:2040 સુધીમાં આ શહેર સંપૂર્ણપણે વિકસિત થઈ જશે.

મુંબઈ છેલ્લા 200 વર્ષથી બાંદ્રા, અંધેરી, વરલી, કુર્લાથી લઈને મીરા રોડ, વિરાર અને વસઈ સુધી ફેલાઈને દેશની આર્થિક કરોડરજ્જુ બની રહ્યું છે. એ પછી મુંબઈ પરનો બોજ હળવો કરવા 'નવી મુંબઈ' (મુંબઈ 2.0) વસાવાયું. હવે મુંબઈના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે. ઝડપથી વધતી વસ્તી અને ગ્લોબલ બિઝનેસની જરૂરિયાતોને પહોંચી વળવા મહારાષ્ટ્ર સરકાર અને MMRDA દ્વારા સિંગાપોર અને હોંગકોંગ જેવું અત્યાધુનિક, ગ્રીન અને હાઇટેક સ્માર્ટ સિટી 'ત્રીજું મુંબઈ' (મુંબઈ 3.0) સાકાર કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે.

આ નવા સ્માર્ટ સિટીને સત્તાવાર રીતે ‘કર્નાલા-સાઈ-ચિર્નર’ (KSC ન્યૂ ટાઉન) અથવા 'ત્રીજું મુંબઈ' નામ અપાયું છે. 'કર્નાલા' અને 'સાઈ' ગામ પનવેલ તાલુકામાં તથા 'ચિર્નર' ગામ ઉરણ તાલુકામાં આવેલું છે. 'મુંબઈ 3.0' પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

સ્થાન અને વિસ્તાર: રાયગઢ જિલ્લા હેઠળ આવતા ઉરણ, પેણ અને પનવેલ તાલુકાના કુલ 124 ગામડાંઓને જોડીને આ શહેર વિકસાવવામાં આવશે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 323.44 ચોરસ કિ.મી. જેટલો રહેશે.

ટાઉનશીપ અને ગ્રીન ઝોન: આમાંથી 104 ચોરસ કિ.મી. વિસ્તારમાં અદ્યતન ટાઉનશીપ અને ઔદ્યોગિક કોરિડોર ઊભા કરાશે. બાકીનો વિસ્તાર જંગલ, ગ્રીન ઝોન અને ગ્રામીણ વસાહતો તરીકે કુદરતી સૌંદર્ય સાથે જાળવી રખાશે.

વિકાસ મોડેલ: ખાનગી કંપનીઓ સાથે મળીને મહારાષ્ટ્ર સરકાર અને MMRDA (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી) આ ગ્રીનફિલ્ડ સિટીનો વિકાસ કરી રહ્યા છે. સિંગાપોરની જાણીતી અર્બન ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટ કંપની ‘સુરબના જુરોંગ’ તેનો માસ્ટરપ્લાન તૈયાર કરી રહી છે. દાવોસ આર્થિક સમિટ ખાતે આ મેગા પ્રોજેક્ટ અંગેની ઘોષણા કરવામાં આવી હતી.

સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR)માં થાણે, કલ્યાણ, પાલઘર અને રાયગઢ સામેલ છે, તેની વસ્તી 2040 સુધીમાં 3.5 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

ત્રીજા મુંબઈની જરૂર કેમ પડી?

  1. જમીનની અછત અને આસમાને પહોંચેલા ભાવ: મુંબઈ અને નવી મુંબઈ (વાશી, બેલાપુર, ખારઘર, પનવેલ)માં ગીચતા વધી ગઈ છે અને નવા વિશાળ ઔદ્યોગિક કે વ્યવસાયિક કેન્દ્રો માટે જમીન ઉપલબ્ધ નથી.

  2. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિ:

  • 21.8 કિ.મી. લાંબા અટલ સેતુ (MTHL) ના નિર્માણથી દક્ષિણ મુંબઈ અને રાયગઢ વચ્ચેનું અંતર 20 થી 25 મિનિટ જેટલું ઘટી ગયું છે.

  • નવું બની રહેલું ‘નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ (NMIA) ત્રીજા મુંબઈથી માત્ર 0.25 કિ.મી.ના અંતરે (અડીને) આવેલું છે.

 

  • 15-મિનિટ સ્માર્ટ સિટી કોન્સેપ્ટ: ગગનચુંબી અને ગીચ ઇમારતોને બદલે અહીં '15-મિનિટ સિટી' મોડેલ લાગુ થશે, જેથી લોકોને રહેઠાણ, નોકરી, સ્કૂલ અને હોસ્પિટલ 15 મિનિટના અંતરે મળી રહે અને ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય.

  • ઇકો-ફ્રેન્ડલી અને ક્લીન: ઓછું પ્રદૂષણ, સ્માર્ટ ડ્રેનેજ સિસ્ટમ, વોટર હાર્વેસ્ટિંગ / ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગની વ્યવસ્થા.

  • આર્થિક અને શૈક્ષણિક કેન્દ્રો: બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) જેવું ભવ્ય ફાઇનાન્સિયલ સેન્ટર, આઇટી પાર્ક્સ, ડેટા સેન્ટર પાર્ક, ગ્લોબલ એજ્યુકેશન હબ અને અત્યાધુનિક હેલ્થકેર સેન્ટર્સ.

  • એરોટ્રોપોલિસ અને પોર્ટ હબ: JNPT પોર્ટ નજીક હોવાથી અને એરપોર્ટ અડીને હોવાથી લોજિસ્ટિક્સ, એવિએશન અને પોર્ટ-આધારિત વૈશ્વિક વેપાર કેન્દ્ર બનશે. આ ઇકોસિસ્ટમ માટે દૈનિક 10 થી 15 લાખ કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે.

 

  1. અટલ સેતુ (MTHL): શિવરીથી સાઉથ મુંબઈ સુધી 20-25 મિનિટમાં ડાયરેક્ટ એન્ટ્રી.

  2. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA): શહેરનું પ્રમુખ સેન્ટ્રલ ગ્લોબલ ટ્રાન્સપોર્ટ હબ.

  3. પનવેલ-કર્જત રેલ કોરિડોર: ઉપનગરીય લોકલ ટ્રેન નેટવર્ક સાથે જોડાણ.

  4. વિરાર-અલીબાગ મલ્ટિમોડલ કોરિડોર: સમગ્ર ઉત્તર-દક્ષિણ MMR રિજન સાથે જોડાણ.

  5. મુંબઈ-પુણે એક્સપ્રેસવે: પુણે અને પશ્ચિમ મહારાષ્ટ્ર સાથે સુપરફાસ્ટ રોડ કનેક્ટિવિટી.

 

  • વર્તમાન સ્થિતિ: હાલમાં જમીન સંપાદન (Land Pooling) અને ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.

  • પ્રથમ તબક્કો (Phase 1): એરપોર્ટ, અટલ સેતુ આધારિત રોડ નેટવર્ક, વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓ સાથે પ્રથમ ફેઝ 2028 થી 2030 વચ્ચે કાર્યરત થવાની અપેક્ષા છે.

  • સંપૂર્ણ વિકાસ (Full Megacity): આ સ્માર્ટ મેગાસિટી તેના પૂર્ણ વૈશ્વિક સ્વરૂપમાં 2038 થી 2040 સુધીમાં સંપૂર્ણપણે વિકસિત થઈ જશે.

 

મુંબઈ 3.0 એ માત્ર સિમેન્ટ-કોંક્રિટનું નવું શહેર નથી, પરંતુ ભારતને 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવવાની દિશામાં મહારાષ્ટ્રનું સૌથી મોટું વિઝન છે. વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ટેકનોલોજી અને અદ્યતન કનેક્ટિવિટી સાથે ‘ત્રીજું મુંબઈ’ ભવિષ્યમાં ખરા અર્થમાં ભારતનું ‘સિંગાપોર’ બનીને દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ આપશે.

 

(7:20 PM IST)