<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

પીએમ કેર્સ ફંડના અબજો રૂપિયા બેંકમાં જમા, પરંતુ ખર્ચ માત્ર ૦.૦૧%: કોંગ્રેસના પવન ખેરાના તીખા પ્રહારો

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ઓડિટ રિપોર્ટમાં ૮,૪૫૨ કરોડ રૂપિયાનું બેલેન્સ સામે આવ્યા બાદ દેશભરમાં કુદરતી આફતો વચ્ચે રાહત ફંડનો યોગ્ય ઉપયોગ ન થવા અંગે વિપક્ષે સરકાર સામે મોરચો માંડ્યો

નવી દિલ્હી:   પીએમ કેર્સ ફંડ (PM CARES Fund) ના તાજેતરમાં જાહેર થયેલા નાણાકીય ડેટા બાદ દેશના રાજકારણમાં નવો ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પવન ખેરાએ સરકાર પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો છે કે ફંડમાં ₹૮,૪૫૨ કરોડથી વધુની માતબર રકમ પડી હોવા છતાં તેમાંથી માત્ર ૦.૦૧% જેટલો જ નજીવો હિસ્સો ખર્ચવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે જ્યારે દેશના વિવિધ ભાગોમાં કુદરતી આફતોના કારણે હજારો લોકો રાહત અને પુનર્વસનની રાહ જોઈ રહ્યા છે, ત્યારે અબજો રૂપિયા બેંકોમાં નિષ્ક્રિય પડ્યા રહેવા એ ગંભીર બાબત છે.

જાહેર કરાયેલા ઓડિટ રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ની શરૂઆતમાં પીએમ કેર્સ ફંડ પાસે ₹૭,૧૭૩.૦૩ કરોડનું ઓપનિંગ બેલેન્સ હતું. આ વર્ષ દરમિયાન સ્થાનિક અને વિદેશી દાન તેમજ બેંક વ્યાજ ઉમેરાતા કુલ રકમ વધીને ₹૮,૪૫૨.૦૭ કરોડ થઈ હતી. જોકે, આશ્ચર્યજનક રીતે સમગ્ર વર્ષ દરમિયાન આ ફંડમાંથી માત્ર ₹૮૭.૮૫ લાખનો જ ખર્ચ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે કુલ જમા રકમમાંથી ₹૭,૮૪૬ કરોડ ફિક્સ ડિપોઝિટ (FD) તરીકે અને ₹૬૦૫ કરોડ બચત ખાતાઓમાં રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસ નેતાએ આંકડાકીય વિગતો રજૂ કરતા જણાવ્યું કે સ્થાનિક દાનમાં ૩૦ ટકા અને વિદેશી દાનમાં પણ ઘટાડો નોંધાયો હોવા છતાં ફંડનો મુખ્ય ઉપયોગ પીડિતો સુધી પહોંચવો જોઈતો હતો. "પીએમ કેર્સ? ભાગ્યે જ" જેવા કટાક્ષપૂર્ણ નિવેદન સાથે તેમણે આક્ષેપ કર્યો કે સરકાર જનકલ્યાણના નામે એકત્ર થયેલા નાણાંનો જરૂરિયાતના સમયે ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે. આ ડેટા સામે આવ્યા બાદ હવે રાહત ફંડના પારદર્શક ઉપયોગ અને વિપક્ષના આક્ષેપોને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે.

(7:25 PM IST)