News of Tuesday, 18th August 2026
પતિની અંતિમયાત્રા હજુ ઘરથી થોડા ડગલા જ આગળ વધી ત્યાં પત્નીએ પણ ત્યાગ્યા પ્રાણ: દંપતીની એકસાથે ઉઠી અર્થી, સાચા પ્રેમ અને અતૂટ દામ્પત્યનો જીવંત પુરાવો આપતી હૃદયસ્પર્શી ઘટના
ઉત્તર પ્રદેશના બલિયામાં ૮૦ વર્ષીય વૃદ્ધના નિધન બાદ પત્નીનું પણ શોકમાં કરૂણ અવસાન; ગામલોકોએ એક જ ચિતા પર બંનેના સાથે કર્યા અંતિમ સંસ્કાર, સમગ્ર પંથક ભાવુક

બલિયા : ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી દામ્પત્ય જીવનના અતૂટ પ્રેમ અને સમર્પણની એક અત્યંત ભાવુક અને અદ્ભુત ઘટના સામે આવી છે. બલિયાના રતસર નગર પંચાયત હેઠળ આવેલા આનંદ નગર (વોર્ડ નંબર ૧૪) માં ૮૦ વર્ષીય સરળ કનૌજિયાનું લાંબી વય બાદ શનિવારની રાત્રે નિધન થયું હતું. રવિવારે સવારે જ્યારે તેમની સ્મશાનયાત્રા ઘરથી નીકળીને થોડે દૂર જ પહોંચી હતી, ત્યારે પાછળથી આવેલા દેહાવસાનના સમાચારે સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા હતા.
અંતિમયાત્રા અધવચ્ચેથી પાછી વાળવી પડી:
પતિની અર્થી ઘરથી થોડા ડગલાં આગળ વધી જ હતી કે પાછળથી સમાચાર આવ્યા કે તેમના પત્ની મુન્નીયા દેવીએ પણ પતિના વિરહમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા છે. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ સ્મશાનયાત્રામાં જોડાયેલા તમામ ગ્રામજનો અને સ્વજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્વરિત નિર્ણય લઈને અર્થીને અધવચ્ચેથી પાછી ઘરે લાવવામાં આવી હતી અને પત્નીના પાર્થિવ દેહને પણ અંતિમ વિદાય માટે તૈયાર કરવામાં આવ્યો હતો.
એક જ સ્થાન પર સાથે અગ્નિસંસ્કાર:
આ અત્યંત ગમગીન અને ભાવુક ક્ષણો વચ્ચે પતિ-પત્ની બંનેની અર્થીઓ એકસાથે એક જ સમયે ઉઠાવવામાં આવી હતી. ત્યારબાદ સ્મશાનગૃહ ખાતે એક જ સ્થળે બંનેના પાર્થિવ દેહને સાથે રાખીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જીવનભર સાથ નિભાવ્યા બાદ મરણોત્તર પણ એકબીજાનો સાથ ન છોડનારા આ દંપતીના અગ્નિસંસ્કાર જોઈને સ્મશાનમાં હાજર પ્રત્યેક આંખ અશ્રુભીની થઈ ગઈ હતી. હાલ સમગ્ર પ્રદેશમાં આ સાચા પ્રેમ અને પવિત્ર સંબંધની ચર્ચા લોકમુખે થઈ રહી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
