<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ઓપરેશન સિંદૂરની ડોક્યુમેન્ટરીથી પાકિસ્તાનમાં ભારે ખળભળાટ: ભારતીય સેનાના પરાક્રમથી પડોશી દેશમાં ફફડાટ, ISPR એ પ્રહારો કરી ઝેર ઓકવાનું શરૂ કર્યું

'ડિક્લાસિફાઇડ: ઓપરેશન સિંદૂર' સિરીઝ સામે પાકિસ્તાની સેનાનો બફાટ; NSA અજિત ડોવલની કડક ચેતવણી- "ભારતની સહિષ્ણુતાને નબળાઈ ન સમજવી, પરિણામોની પરવા કર્યા વિના કરીશું ભયાનક પ્રહાર"

નવી દિલ્હી : ડિસ્કવરી ચેનલ પર તાજેતરમાં રિલીઝ થયેલી ભારતની સફળ સર્જિકલ અને એર સ્ટ્રાઈક પર આધારિત ડોક્યુમેન્ટરી "ડિક્લાસિફાઇડ: ઓપરેશન સિંદૂર" ને પગલે પાકિસ્તાની સેના અને સરકારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. આ ડોક્યુમેન્ટરીમાં ભારતીય સશસ્ત્ર દળોની અદ્ભુત લશ્કરી સફળતા અને ૮૮ કલાક સુધી ચાલેલા ભયાનક સંઘર્ષની જમીની વાસ્તવિકતા દર્શાવવામાં આવતાં પાકિસ્તાન ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયું છે અને ભારત વિરુદ્ધ ઝેરી પ્રચાર શરૂ કરી દીધો છે.

 

પાકિસ્તાની સેનાએ બળાપો કાઢ્યો:

ડોક્યુમેન્ટરીના પ્રસારણ બાદ પાકિસ્તાન આર્મીના મીડિયા વિંગ 'ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ' (ISPR) એ એક સત્તાવાર નિવેદન જારી કરીને પોતાના નિષ્ફળ પ્રદર્શનને છુપાવવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે આ દસ્તાવેજી ફિલ્મમાં ઘટનાઓને વધુ પડતી નાટકીય રીતે રજૂ કરીને એકતરફી અહેવાલ બતાવવામાં આવ્યો છે, જે કેવળ ભારતની છબી સુધારવા માટે બનાવવામાં આવ્યો છે.

 

NSA અજિત ડોવલનો પાકિસ્તાનને આકરો સંદેશ:

આ બે ભાગની દસ્તાવેજી શ્રેણીમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોવલે પાકિસ્તાનને સણસણતો જવાબ આપતાં સ્પષ્ટ કહ્યું છે કે, "ભારતની ઉદારતા અને સહિષ્ણુતાને આપણી નબળાઈ માનવાની ભૂલ કોઈ ન કરે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની સુરક્ષા સામે જોખમ ઊભું થશે ત્યારે ભારત કોઈપણ પરિણામની પરવા કર્યા વિના દુશ્મનોના ઘરમાં ઘૂસીને આકરો હુમલો કરવા તૈયાર છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોની શહાદતનો બદલો લેવાનો હતો.

 

૮૮ કલાકમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરાયું:

૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા નિર્દયી આતંકી હુમલાના જવાબમાં ભારતે ૭ મે, ૨૦૨૫ ના રોજ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. ભારતીય વાયુસેના અને સેનાએ પાકિસ્તાન તથા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં ઘૂસીને આતંકવાદીઓના ૯ મુખ્ય અડ્ડાઓને ચોકસાઈપૂર્વક મિસાઈલ હુમલા કરીને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા કરાયેલા ડ્રોન અને મિસાઈલ જવાબી હુમલાઓને ભારતના એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ નિષ્ફળ બનાવી દીધા હતા. આ ઓપરેશને વૈશ્વિક સ્તરે ભારતની ગુપ્તચર ક્ષમતા, સચોટ લક્ષ્યભેદ અને ત્રણેય સેનાઓની અદ્ભુત તાકાતનો પરચો બતાવ્યો હતો.

 

(7:38 PM IST)