News of Tuesday, 18th August 2026
સંસદ કૂચ દરમિયાન સાદા કપડાંમાં પોલીસ કેમ હતી?: દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં આપ્યો ચોંકાવનારો જવાબ; કહ્યું- "સ્થિતિ કંટ્રોલ બહાર હતી, ભીડમાં ભળી જવું એ વ્યુહરચના હતી"
CJP ની 'સાંસદ ચલો' કૂચ દરમિયાન પોલીસના અતિરેક સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં વળતું સોગંદનામું; ૨૪૦ થી વધુ જવાનો ઘાયલ થયાનો અને ૩૦ હજારની ભીડને કાબૂ કરવા બળપ્રયોગ કર્યાનો દાવો

નવી દિલ્હી : દિલ્હી પોલીસે ૨૦ જુલાઈના રોજ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા યોજાયેલી આક્રમક "સાંસદ ચલો" વિરોધ કૂચ દરમિયાન સાદા કપડાંમાં લાઠીઓ સાથે તૈનાત કરાયેલા પોલીસ કર્મચારીઓનો સુપ્રીમ કોર્ટમાં મજબૂત બચાવ કર્યો છે. પોલીસે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા વળતા સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે કે કટોકટી અને કાયદો-વ્યવસ્થાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યુહરચનાના ભાગરૂપે જવાનોને ભીડમાં મોકલવામાં આવ્યા હતા.
સાદા કપડાંમાં તૈનાતી ગેરકાયદેસર નથી:
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) સચિન શર્મા દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા મુજબ, સાદા પોશાકમાં દેખાયેલા કર્મચારીઓ સ્પેશિયલ બ્રાન્ચ, સ્પેશિયલ સેલ, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના 'ગુપ્તચર જાસૂસ' હતા. પોલીસે દાવો કર્યો છે કે પ્રજાસત્તાક દિવસ કે સ્વતંત્રતા દિવસ જેવા મોટા જાહેર મેળાવડાઓ વખતે ભીડ પર નજર રાખવા માટે આવી તૈનાતી અસામાન્ય કે ગેરકાયદેસર નથી. તેઓ વિરોધીઓ સામે લડવા માટે નહીં પરંતુ ભીડ નિયંત્રણ કામગીરીના ભાગરૂપે તૈનાત હતા.
૩૦ હજારની ઉશ્કેરાયેલી ભીડ સામે 'ગ્રેડેડ' બળપ્રયોગ:
વિદ્યાર્થીઓ અને વિરોધકર્તાઓ પર અતિશય બળપ્રયોગના આરોપોને ફગાવતાં પોલીસે કહ્યું કે લગભગ ૩ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા ૩૦,૦૦૦ થી વધુ વિરોધીઓને કાબૂમાં લેવા માટે આશરે ૫,૦૦૦ પોલીસ જવાનો તૈનાત હતા. જ્યારે પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડીને સંસદ તરફ જવાનો પ્રયાસ કર્યો અને શાંતિપૂર્ણ મેળાવડાએ ગેરકાયદેસર સભાનું સ્વરૂપ લીધું, ત્યારે જ ગ્રેડેડ પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. આ હિંસક ઘર્ષણમાં ૨૪૦ થી વધુ ગણવેશધારી કર્મચારીઓ અને ૨૦૦ જેટલા વિરોધીઓ ઘાયલ થયા હતા.
ખીલા વાળી લાઠીઓ અને ફોજદારી રેકોર્ડ પર ખુલાસો:
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા 'ખીલા જડેલી લાઠીઓ'ના વીડિયો અંગે પોલીસે સ્પષ્ટતા કરી છે કે વીડિયોમાં દેખાતી લાકડી કોઈ પોલીસ જવાનના હાથમાં નહીં પરંતુ પ્રદર્શનકારીના હાથમાં હતી અને તે રાષ્ટ્રધ્વજ વાળી લાકડી હતી. વધુમાં પોલીસે કોર્ટને જણાવ્યું કે વિરોધ સ્થળ પર હાજર ૨,૮૭૩ લોકો સામે ભૂતકાળમાં ગંભીર ફોજદારી કેસો નોંધાયેલા છે. પોલીસે સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે બળપ્રયોગ વધુ પડતો હતો કે નહીં તેની તપાસ માટે કોર્ટ દ્વારા ગઠિત સમિતિને તેઓ સંપૂર્ણ સહકાર આપશે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
