News of Tuesday, 18th August 2026
"હોર્મુઝ હવે અમેરિકાનો નવો પ્રદેશ છે!": ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર નકશો પોસ્ટ કરી ઈરાન સામે વધાર્યો તણાવ; મધ્ય પૂર્વમાં યુદ્ધના ભયાનક એંધાણ
મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પર 'સંપૂર્ણ નિયંત્રણ' હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો; સાપેક્ષમાં ઈરાને કહ્યું- "પ્રતિબંધો અને નાકાબંધી નહીં હટે ત્યાં સુધી હોર્મુઝમાંથી જહાજોની અવરજવર બંધ રહેશે"

વોશિંગ્ટન : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનો તણાવ ચરમસીમાએ પહોંચાડી દીધો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક વિવાદિત નકશો પોસ્ટ કરીને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા પરિવહન માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' (Hormuz Strait) ને "નવો યુએસ પ્રદેશ" જાહેર કરી દીધો છે. ટ્રમ્પના આ ઉશ્કેરણીજનક દાવાથી પર્શિયન ગલ્ફ, ઓમાનના અખાત અને અરબી સમુદ્રને જોડતા આ સાંકડા દરિયાઈ માર્ગ પર સાર્વભૌમત્વ અને નેવિગેશન નિયંત્રણ અંગેનો વિવાદ વધુ ગંભીર બન્યો છે.
"નાકાબંધી દ્વારા અમારો પૂરો કંટ્રોલ છે" - ટ્રમ્પનો દાવો:
સોમવારે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના વિચારનો પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે, "મને લાગે છે કે હોર્મુઝને અમેરિકી પ્રદેશ જાહેર કરવો એ ખૂબ જ સારો વિચાર છે. અમે નૌકાદળની નાકાબંધી દ્વારા તેના પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવીએ છીએ." આ પહેલા લોંગ આઈલેન્ડમાં રિપબ્લિકન રેલીને સંબોધતી વખતે પણ ટ્રમ્પે ઈરાનને હરાવીને ટૂંક સમયમાં જ હોર્મુઝને યુએસ પ્રદેશ જાહેર કરવાની જાહેરાત કરી હતી.
ઈરાનનો આકરો જવાબ: વચનો પૂરા નહીં થાય ત્યાં સુધી માર્ગ બંધ:
બીજી તરફ, ઈરાનના વરિષ્ઠ વાટાઘાટકાર મોહમ્મદ બાઘર ગાલિબાફે સરકારી ટેલિવિઝન પર સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી વોશિંગ્ટન પોતાના વચનો પૂરા નહીં કરે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે. ઈરાને માંગ કરી છે કે જૂનમાં થયેલા સમજૂતી કરાર મુજબ અમેરિકા પોતાની નૌકાદળ નાકાબંધી હટાવે, તેલ પરના પ્રતિબંધો દૂર કરે અને વિદેશમાં જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિ પરથી ફ્રીઝ હટાવે. આ વચનો પૂરા ન થતાં બંને દેશો વચ્ચેનો વિવાદ હવે વૈશ્વિક શિપિંગ કોરિડોર સુધી ફેલાઈ ગયો છે.
જહાજ પર હુમલાથી પરિસ્થિતિ વધુ વણસી:
દરમિયાન, યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એજન્સી અનુસાર, મંગળવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા એક કોમર્શિયલ જહાજ પર અજ્ઞાત અસ્ત્રથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જહાજના એન્જિન રૂમને નુકસાન પહોંચ્યું હતું અને એક ક્રૂ સભ્ય ઘાયલ થયો હતો. ઈરાન પર વેપારી જહાજો પર હુમલા કરવાનો અને ટ્રાન્ઝિટ ફી વસૂલવાનો આરોપ મૂકાઈ રહ્યો છે, જેનો અમેરિકા અને તેના સહયોગી દેશો સખત વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પના નકશા વાયરલ થયા બાદ પ્રદેશમાં સૈન્ય ઘર્ષણ વધવાની ભીતિ સેવાઈ રહી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
