<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

સેલિબ્રિટીઝની ખેર નથી!: વિમલ પાન મસાલાની સરોગેટ જાહેરાતો બદલ શાહરૂખ, અજય અને ટાઇગરને FDA ની શો-કોઝ નોટિસ; તુકારામ મુંડેએ આપી રૂ. ૧૦ લાખ સુધીના દંડ અને કાનૂની કાર્યવાહીની આકરી ચેતવણી

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ૧૫ દિવસમાં ખુલાસો માંગ્યો; સોશિયલ મીડિયા પરથી પ્રમોશનલ કન્ટેન્ટ તાત્કાલિક હટાવવા અને જાહેરાતો બંધ કરવા કડક નિર્દેશ

મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ કલાકારો દ્વારા કરવામાં આવતી પાન મસાલા અને ગુટખાની પરોક્ષ એટલે કે સરોગેટ અને ભ્રામક જાહેરાતો સામે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. મહારાષ્ટ્ર FDA ના વડા તુકારામ મુંડેએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેરમાર્ગે દોરતી કે સરોગેટ જાહેરાતો કાયદાકીય રીતે પ્રતિબંધિત છે અને આવી જાહેરાતોમાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

 

સુપરસ્ટાર્સને ફટકારાઈ શો-કોઝ નોટિસ:

FDA એ 'વિમલ ઈલાયચી' ની આડમાં પાન મસાલા અને તમાકુ ઉત્પાદનોનું પરોક્ષ પ્રમોશન કરવા બદલ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને કારણ દર્શક નોટિસ ફટકારી છે. આ કલાકારોને ૧૫ દિવસની અંદર પોતાનો લેખિત જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. સાથે જ, આ ઉત્પાદનને એન્ડોર્સ કરતા પહેલા તેમણે કેટલી કાનૂની અને સામાજિક ચકાસણી (ડ્યુ ડિલિવરન્સ) કરી હતી તેના પુરાવા પણ માંગવામાં આવ્યા છે.

 

રૂ. ૧૦ લાખ સુધીનો દંડ અને કાનૂની કાર્યવાહીની ચીમકી:

પત્રકારો સાથે વાત કરતા FDA ચીફ તુકારામ મુંડેએ જણાવ્યું હતું કે, "અમે આ બાબત પર લાંબા સમયથી નજર રાખી રહ્યા હતા. મોડું તો મોડું, પરંતુ યોગ્ય સમયે પગલાં લેવા જરૂરી હતા. જો કલાકારોના જવાબો સંતોષકારક નહીં જણાય તો પ્રથમ તબક્કામાં રૂ. ૧૦ લાખ સુધીનો દંડ થઈ શકે છે. ત્યારબાદ પણ જો સંતોષ નહીં થાય તો FSSAI કાયદા હેઠળ તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે."

 

સોશિયલ મીડિયા પરથી સામગ્રી હટાવવાનો આદેશ:

રાજ્યના જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા નિયમો હેઠળ મહારાષ્ટ્રમાં પાન મસાલા અને તમાકુના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. FDA એ તમામ કલાકારોને સૂચના આપી છે કે તેઓ આ જાહેરાતમાં પોતાની ભાગીદારી તાત્કાલિક અસરથી બંધ કરે અને પોતાના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વેબસાઇટ્સ તથા ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ પ્રોડક્ટ સંબંધિત તમામ વિડીયો અને પ્રમોશનલ કન્ટેન્ટ તુરંત હટાવી લે.

(8:58 PM IST)