<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

‘પાકિસ્તાન સળગી રહ્યું છે...’: મૌલાના ડીઝલે શાહબાઝ સરકાર અને સેનાનો પર્દાફાશ કરતા આપ્યું સનસનાટીભર્યું નિવેદન

ખૈબર પખ્તુનખ્વાથી લઈને બલુચિસ્તાન સુધી પાકિસ્તાની સેના અને પોલીસનું વર્ચસ્વ નાબૂદ થવાના આરે: તાલિબાનના વધતા કબજા અને વહીવટી તંત્રના સંપૂર્ણ પતન વચ્ચે જેયુઆઈ-એફના વડા મૌલાના ફઝલુર રહેમાને દેશની વિસ્ફોટક સ્થિતિ અંગે સરકારને ચેતવણી આપી

ઇસ્લામાબાદ:  પાકિસ્તાનના વરિષ્ઠ અને પ્રભાવશાળી રાજકારણી તથા જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI-F) ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાન (જેઓ રાજકીય વર્તુળોમાં 'મૌલાના ડીઝલ' તરીકે જાણીતા છે) એ દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા અને સેનાની નિષ્ફળતા પર પ્રહાર કરતા એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે પાકિસ્તાનની વર્તમાન કટોકટીપૂર્ણ સ્થિતિને "સળગતા ઘર" સાથે સરખાવતા ચેતવણી આપી છે કે, દેશના સરહદી વિસ્તારોમાં સરકારની પકડ સંપૂર્ણપણે ક્ષીણ થઈ ચૂકી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ સમયે દેશ વિભાજન કે રાજકીય ખેંચતાણની વાતોમાં ઉલઝવાને બદલે શાસકોએ સૌથી પહેલાં દેશને ચારેય તરફથી ઘેરી વળેલી અરાજકતાની આગને ઓલવવા પર પ્રાથમિક ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ખૈબર પખ્તુનખ્વા (KP) ની ગંભીર સ્થિતિનો પર્દાફાશ કરતા તેમણે ખુલાસો કર્યો કે સિંધુ નદીના પશ્ચિમ કિનારે આવેલા લક્કી મારવત, બન્નુ, ટાંક, કુર્રમ અને ઓરકઝાઈ જેવા જિલ્લાઓમાં રાજ્યનું શાસન અને કાયદાનું શાસન નામશેષ થઈ ગયું છે. કમાન્ડ સિસ્ટમ એટલી હદે ભાંગી પડી છે કે નિચલા સ્તરના પોલીસકર્મીઓ ડીપીઓ, ડીઆઈજી કે આઈજી જેવા વરિષ્ઠ અધિકારીઓના આદેશો માનવાનો ખુલ્લેઆમ ઇનકાર કરી રહ્યા છે અને પોતાની અલગ સમિતિઓ બનાવીને કામ કરી રહ્યા છે. હાંગુ ક્ષેત્રમાં તાલિબાનોએ આખી પોલીસ ચોકીને ઘેરી લીધી હતી, જ્યાં આખરે સ્થાનિક મૌલવીઓની મધ્યસ્થતાથી અને શસ્ત્રો તથા નાણાં સોંપ્યા બાદ જ પોલીસકર્મીઓની જાન બચી શકી હતી. આ ઘટનાઓ દર્શાવે છે કે સમગ્ર પશ્તુન ક્ષેત્રમાં સૈન્ય અને સત્તાવાર તંત્ર લાચાર બની ગયું છે.

ચિંતાજનક બાબત એ છે કે માત્ર ખૈબર પખ્તુનખ્વા જ નહીં, પરંતુ બલુચિસ્તાનની સ્થિતિ પણ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. મસ્તુંગ, ખુઝદાર અને ચગાઈ જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં પાકિસ્તાની સેનાનું કામ માત્ર શહેરના મુખ્ય મથકો કે ચોકીઓની આસપાસ ખાઈ ખોદીને પોતાની જાતને બચાવવા પૂરતું મર્યાદિત થઈ ગયું છે. ગ્રામીણ વિસ્તારો, ખેતરો અને ગામડાંઓ પર આતંકવાદીઓ અને સ્થાનિક વિદ્રોહીઓનું સંપૂર્ણ નિયંત્રણ છે. સૈન્ય માત્ર પોતાના કમ્પાઉન્ડ સુધી સીમિત રહેતા આખો પ્રદેશ અરાજકતાના હવાલે થઈ ગયો છે. મૌલાના ફઝલુર રહેમાને શાહબાઝ શરીફ સરકાર પર આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો છે કે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સરકાર કેમ આંખ આડા કાન કરીને બેઠી છે.

(10:20 PM IST)