News of Wednesday, 19th August 2026
વિદેશમાં નાણાં મોકલનારાઓની આઇટી દ્વારા ઉંડી તપાસ કરાશે
પૂરતા કારણો રજૂ નહીં કરાય તો કાયદાકીય પગલાં ભરાશે : સમગ્ર દેશમાં વિદેશ મોકલતા નાણાંના કારણો શોધવા ITનું અભિયાન

નવી દિલ્હી,તા.૧૯: વિદેશ મોકલવામાં આવતા નાણાંની તપાસ કરવા માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. થોડા સમયમાં કરોડો રૂપિયા વિદેશ મોકલવામાં આવ્યા હોય તો મોકલનાર વ્યક્તિની ઊલટતપાસ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ વધી છે.
કેટલાક લોકો ટેક્સ બચાવવા માટે વિદેશમાં નાણાં મોકલી આપતા હોય છે. આ માટે કેટલાક લોકો ચેરિટેબલ ટ્રસ્ટ અથવા તો કંપની બનાવીને નાણાં વિદેશ મોકલી આપે છે. ત્યારબાદ નિયમ પ્રમાણે ટેક્સની રકમ પણ ભરતા નથી. જયારે આવી કંપનીઓની તપાસ કરવામાં
આવે તો સ્થળ પર અન્ય કોઇ વ્યક્તિ જ મળી આવતી હોય છે. પરંતુ આવી કંપની અને ટ્રસ્ટો મારફત વિદેશમાં કરોડો રૂપિયા મોકલી આપવામાં આવતા હોય છે. આવી અનેક હકીકતો ઈન્કમટેક્સ વિભાગને ધ્યાને આવ્યા બાદ આજથી સમગ્ર દેશમાં વિદેશમાં નાણાં મોકલવામાં આવ્યા હોય તો તેના કારણો શોધવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેના માટે જે પણ વ્યક્તિએ વિદેશમાં નાણાં મોકલ્યા હોય તેની ઊલટતપાસ કરીને નાણાં ક્યાંથી આવ્યા તે સહિતની વિગતો એકત્ર કરવામાં આવશે. જો તેના યોગ્ય અને પૂરતા કારણો રજૂ કરવામાં નહીં આવે તો કાયદાકીય પગલાં પણ ભરવામાં આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.(૪૦.૧૧)
૧૫સીબી ફોર્મ પણ ખોટા બનાવાયાની આશંકા
વિદેશ નાણાં મોકલવા માટે આઇટીના નિયમોનુસાર ૧૫સીબી ફોર્મ ભરવાનું હોય છે. તેમાં બેંકની પણ વિગતો દર્શાવવાની હોય છે. ત્યારબાદ નાણાં વિદેશ મોકલવામાં આવતા હોય છે, પરંતુ કેટલાક લોકોએ આ ફોર્મ ભર્યા વિના પણ નાણાં વિદેશ મોકલ્યા હોવાનું આઇટીને ધ્યાને આવ્યું છે. તેમજ તેમાં કેટલાક સીએ અથવા તો પ્રોફેશનલની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું જણાતા હવે તેઓને પકડી પાડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેથી વિદેશમાં નાણાં મોકલનારની સાથે તેની સાથે સંકળાયેલા અન્યોની સામે પણ તવાઇ આવવાના ભણકારા વાગી રહ્યા છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
