News of Wednesday, 19th August 2026
ખય્યામના સ્વરો આજે પણ સંગીતપ્રેમીઓના દિલમાં ધબકે છે
‘કભી કભી મેરે દિલ મેં...'થી ‘દિલ ચીઝ ક્યા હૈ...' સુધી

મુંબઈઃ હિન્દી ફિલ્મ સંગીતને ગઝલની નફાસત, કાવ્યની ઊંડાઈ અને શાષીય સંગીતની મીઠાશ આપનાર મહાન સંગીતકાર મોહમ્મદ ઝહૂર હાશમી ‘ખય્યામ'ની પુણ્યતિથિ આજે છે. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૭ના રોજ પંજાબના રાહોનમાં જન્મેલા ખય્યામનું ૧૯ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ અવસાન થયું હતું. તેઓ એવા સંગીતકાર હતા, જેમની ધૂન ક્યારેય શબ્દો પર હાવી થતી નહીં; ઊલટું કવિતાને વધુ જીવંત બનાવતી.
બાળપણથી જ તેઓ કે. એલ. સાયગલના પ્રશંસક હતા. અભિનય અને સંગીત પ્રત્યેનો ઝુકાવ પરિવારને પસંદ ન હોવાથી એક સમયે તેઓ ઘર છોડીને દિલ્હી પહોંચ્યા. ત્યાં પંડિત હુસ્નલાલ, પંડિત ભગતરામ અને પંડિત અમરનાથ જેવા સંગીતગુરૂઓ પાસેથી તાલીમ મેળવી. પછી લાહોરમાં જાણીતા સંગીતકાર બાબા ચિશ્તિ સાથે કામ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થોડો સમય સેનામાં પણ સેવા આપી.
ફિલ્મ સંગીતમાં તેમની શરૂઆત ‘હીર રાંઝા' (૧૯૪૮)થી થઈ, જેમાં રહેમાન વર્મા સાથે તેઓ ‘શર્માજી-વર્માજી' નામે સંગીત આપતા. પછી ‘બીવી' (૧૯૫૦)નું મોહમ્મદ રફીનું ગીત ‘અકેલે મેં વો ઘબરાતે તો હોંગે' લોકપ્રિય બન્યું. ‘ફૂટપાથ' (૧૯૫૩)થી તેમણે ‘ખય્યામ' નામ અપનાવ્યું અને તલત મહેમૂદના અવાજમાં ‘શામ-એ-ગમ કી કસમ' જેવી અમર ગઝલ આપી.
‘ફિર સુબહ હોગી' (૧૯૫૮)એ ખય્યામને વિશેષ ઓળખ આપી. સાહિર લુધિયાનવીના શબ્દો અને ખય્યામના સંગીતે ‘વો સુબહ કભી તો આયેગી', ‘ચીન-ઓ-અરબ હમારા' અને ‘આસમા પે હૈ ખુદા ઔર જમીં પે હમ' જેવા ગીતોને અમર બનાવી દીધા.
પછી ‘શગૂન', ‘આખરી ખત', ‘શંકર હુસૈન' સહિત અનેક ફિલ્મોમાં તેમણે યાદગાર સંગીત આપ્યું. ‘જાને ક્યા ઢૂંઢતી રહતી હૈં યે આંખેં મુઝમેં', ‘તુમ અપના રંજ-ઓ-ગમ', ‘પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ', ‘ઠહરિયે હોશ મેં આ લૂં' અને ‘બહારો મેરા જીવન ભી સંવારો' જેવી રચનાઓ આજે પણ સંગીતરસિકોને મંત્રમુગ્ધ કરે છે.
‘કભી કભી' (૧૯૭૬) ખય્યામના કારકિર્દીનું સુવર્ણ શિખર સાબિત થઈ. મુકેશના અવાજમાં ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ' પ્રેમગીતોની દુનિયામાં અમર બની ગયું. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ત્યારબાદ ‘ત્રિશૂલ', ‘નૂરી', ‘નાખુદા', ‘સવાલ' જેવી ફિલ્મોમાં પણ તેમણે યાદગાર ધૂનો આપી.
ખય્યામની સર્વશ્રેષ્ઠ રચનાઓમાં ‘ઉમરાવ જાન' (૧૯૮૧)નું સ્થાન અનન્ય છે. આશા ભોસલેના અવાજમાં ‘દિલ ચીઝ ક્યા હૈ', ‘ઇન આંખોં કી મસ્તી કે', ‘યે ક્યા જગહ હૈ દોસ્તો' જેવી ગઝલો આજે પણ અદ્વિતીય ગણાય છે. ‘ઉમરાવ જાન' માટે ખય્યામને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર તથા ફિલ્મફેર એવોર્ડ બંને મળ્યા.
‘રઝિયા સુલતાન'નું ‘એ દિલ-એ-નાદાં', ‘થોડી સી બેવફાઈ'નું ‘હઝાર રાહેં મુડ કે દેખીં', ‘આહિસ્તા આહિસ્તા'નું ‘કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા' અને ‘બજાર'નાં ‘દિખાઈ દિયે યૂં', ‘કરોગે યાદ તો', ‘ફિર છિડી રાત બાત ફૂલોં કી' જેવા ગીતો તેમની કલાત્મક ઊંચાઈનું ઉત્તમ ઉદાહરણ છે.
ખય્યામે અભિનેત્રી-કવયિત્રી મીના કુમારીની રચનાઓને તેમના જ અવાજમાં સંગીતબદ્ધ કરીને વિશેષ ગઝલ-આલ્બમ પણ તૈયાર કર્યો હતો. તેમના સંગીતમાં શોર નહોતો, સંવેદના હતી; ઝડપ નહોતી, ઠહેરાવ હતો; અને ધૂન સાથે કવિતાનો ગૌરવ અકબંધ રહેતો.
તેમને ૨૦૧૧માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંગીત નાટક અકાદમી સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો પણ તેમને મળ્યા. તેમની જીવનસંગિની ગાયિકા જગજીત કૌર પણ સંગીતજગતનું જાણીતું નામ હતું.
૧૯ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ ખય્યામે દુનિયાને અલવિદા કહી, પરંતુ ‘કભી કભી', ‘ઉમરાવ જાન', ‘બજાર' અને ‘રઝિયા સુલતાન' જેવી રચનાઓના સ્વરૂપે તેમનું સંગીત આજે પણ જીવંત છે.
ખય્યામ માત્ર સંગીતકાર નહોતાતેઓ શબ્દ, સૂર અને સંવેદનાના સંયમિત જાદુગર હતા.
(જાણીતા સંગીતજ્ઞ મહેશભાઈ યાજ્ઞિકની સોશ્યલ મિડિયા પર વાયરલ થયેલ પોસ્ટ સાભાર)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
