News of Wednesday, 19th August 2026
ટ્રમ્પે કૅનેડાથી આયાત થતા માલ પર લાદવામાં આવનારા 50 ટકા પ્રસ્તાવિત ટેરિફને ત્રણ દિવસ માટે સ્થગિત કર્યો
કૅનેડાના માલ પર નવો ટેરિફ લાગુ થવામાં બે કલાકથી પણ ઓછો સમય બાકી હતો. ત્યારે સ્થગિત કરી દીધો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડાથી આયાત થતા માલ પર લાદવામાં આવનારા 50% પ્રસ્તાવિત ટેરિફને ત્રણ દિવસ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, "મેં કૅનેડા પર લાગુ થનારા 50% ટેરિફને ત્રણ દિવસ માટે રોકી દીધો છે.
આ ટેરિફ આવતીકાલે સવારે અમલમાં આવવાનો હતો. તેને રોકવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જરૂરી દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા બાદ કૅનેડા અને અમેરિકા વચ્ચે એક સમજૂતી થઈ ગઈ છે."
આ જાહેરાત એ સમયે કરવામાં આવી હતી જ્યારે કૅનેડાના માલ પર નવો ટેરિફ લાગુ થવામાં બે કલાકથી પણ ઓછો સમય બાકી હતો.
બંને દેશો વચ્ચે લાંબા સમયથી અનેક મુદ્દાઓને લઈને મતભેદ ચાલી રહ્યો હતો. તેમાં મુખ્યત્વે - અમેરિકન ઑટોમોબાઇલ્સ પર કૅનેડા દ્વારા લગાવવામાં આવેલો ટેરિફ, કૅનેડાના કેટલાક પ્રાંતો દ્વારા અમેરિકન દારૂના વેચાણ પર પ્રતિબંધ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ટ્રમ્પ અને કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની વચ્ચે આ અઠવાડિયામાં બે વખત વાતચીત થઈ હતી. ઉપરાંત, બંને દેશોના વાટાઘાટકારો જુલાઈ મહિનાથી સતત ચર્ચા કરી રહ્યા હતા.
ટ્રમ્પે અગાઉ 19 ઑગસ્ટની સમયમર્યાદા નક્કી કરીને નવા ટેરિફ લાગુ કરવાની ચેતવણી આપી હતી.
બીજી તરફ, કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાહેર કરેલા એક પત્રમાં જણાવ્યું, "વાટાઘાટોમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે, જોકે હજુ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર કામ બાકી છે."
આ રીતે, બંને દેશો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓમાં પ્રગતિ થવાને કારણે હાલ 50% ટેરિફના અમલીકરણને ત્રણ દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
