<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

NEET પેપર લીક વિવાદ: સુપ્રીમ કોર્ટે NTA ની કાર્યપ્રણાલી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો, કડક શબ્દોમાં પૂછ્યું - 'સંસ્થાકીય સુધારા માટે તમે શું પગલાં લીધાં?'

જસ્ટિસ પી.એસ. નરસિંહાની ખંડપીઠે UPSC જેવી સક્ષમ સંસ્થાનું આપ્યું ઉદાહરણ; રાધાકૃષ્ણન અને નંદન નીલેકણી સમિતિની ભલામણો પર કેન્દ્ર સરકાર પાસે માંગ્યું નવું સોગંદનામું

નવી દિલ્હી, તા.19: દેશમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંચાલનમાં સતત સામે આવતી અનિયમિતતાઓ અને NEET-UG પેપર લીક વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને કેન્દ્ર સરકાર સામે આકરો વલણ અપનાવ્યું છે. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે NTA ની કાર્યક્ષમતા અને ક્ષમતા પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા કહ્યું કે, દેશમાં લાખો પ્રશ્નપત્રો અને દેશવ્યાપી પરીક્ષાઓનું સંચાલન કરવા માટે UPSC જેવી વૈજ્ઞાનિક રીતે સક્ષમ અને અનુભવી સંસ્થાના મોડેલને અનુસરવાની જરૂર છે.

જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે NEET-UG સંબંધિત માળખાકીય સુધારાઓની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરતા સ્પષ્ટપણે પૂછ્યું કે, "રાધાકૃષ્ણન સમિતિ અને નંદન નીલેકણી સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોને લાગુ કરવા માટે અત્યાર સુધીમાં શો ગ્રાઉન્ડ રિપોર્ટ છે?" કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશને એક એવી સક્રિય અને વિશ્વસનીય સંસ્થાની જરૂર છે જેના પર ગર્વ કરી શકાય. જો સિસ્ટમનું યોગ્ય સંસ્થાકીયકરણ કરવામાં નહીં આવે, તો અનુભવી અધિકારીઓની બદલી થતાં જ તમામ અનુભવ વેડફાઈ જશે.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે NTA દ્વારા પ્રશ્નપત્રોની સુરક્ષા માટે હાલમાં લેવામાં આવેલા પગલાં 'ફૂલપ્રૂફ' છે. તેમણે પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને CCTV દેખરેખ, CISF સુરક્ષા, GPS-સક્ષમ કન્ટેનર વહન અને વિદ્યાર્થીઓની હાજરીમાં સીલબંધ બોક્સ ખોલવા સુધીની જટિલ પ્રક્રિયા વર્ણવી હતી, જોકે તેમણે માનવ હસ્તક્ષેપના કારણે ભૂલ થવાની સંભાવનાનો સ્વીકાર કર્યો હતો.

કોર્ટે આ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બ્લોકચેન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને ડિજિટલ લોકિંગ તથા કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) મોડેલ અપનાવવા પર ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સચિવને આદેશ આપ્યો છે કે બંને સમિતિઓની ભલામણોના અમલીકરણ અને અત્યાર સુધી થયેલી પ્રગતિ અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવામાં આવે. આ કેસની આગળની સુનાવણી હવે ત્રણ અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.

(4:57 PM IST)