News of Wednesday, 19th August 2026
દક્ષિણથી દિલ્હી સુધી રાજકીય ગરમાવો: વિજય થલાપતિ બનશે પીએમ ઉમેદવાર? રાહુલ ગાંધી માટે નવો પડકાર, TVK અને કોંગ્રેસના ગઠબંધનમાં ઘમાસાણ
તમિલનાડુ સરકારના મંત્રીઓએ 'સી. જોસેફ વિજય' ને દેશના આગામી વડાપ્રધાન ગણાવતા રાજકારણ ગરમાયું: ઉત્તર-દક્ષિણ રાજકારણ વચ્ચે 2029 ની લોકસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર

ચેન્નઈ, તા.19: વર્ષ 2029 ની લોકસભા ચૂંટણીને હજુ લાંબો સમય બાકી છે, પરંતુ દક્ષિણ ભારતના રાજકારણથી લઈને દિલ્હી સુધી પીએમ પદની રેસને લઈને મોટો રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયો છે. તમિલનાડુના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરીને સત્તા સંભાળનાર તમિલનાડુ વેટ્રી કઝગમ (TVK) ના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (થલાપતિ વિજય) ને તેમની જ સરકારના મંત્રીઓએ આગામી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ જાહેરાત બાદ કેન્દ્રમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે એક નવો સવાલ ઊભો થયો છે, કારણ કે તમિલનાડુમાં કોંગ્રેસ વિજયની TVK સરકારમાં સહયોગી છે.
રાજકીય વર્તુળોમાં આ ચર્ચા ત્યારે જોર પકડી ગઈ જ્યારે તમિલનાડુ સરકારના મંત્રી એમ. સરથકુમારે ખુલ્લેઆમ વિજયને ભારતના આગામી વડાપ્રધાન ગણાવ્યા. તેમણે જણાવ્યું હતું કે, "જે નેતા આપણા હૃદયમાં અને સેન્ટ જ્યોર્જ ફોર્ટ (વિધાનસભા) માં મુખ્યમંત્રી છે, તેઓ જ દેશના આગામી પ્રધાનમંત્રી છે." આ પહેલા અન્ય એક મંત્રી આધવ અર્જુને પણ એવી માંગ કરી હતી કે વડાપ્રધાન પદ ફક્ત ઉત્તર પ્રદેશ, બિહાર કે ગુજરાત પૂરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ આ વખતે દક્ષિણ ભારત અને તમિલનાડુમાંથી જ દેશના વડાપ્રધાન પસંદ થવા જોઈએ.
બીજી તરફ, કોંગ્રેસ પક્ષ સતત પોતાના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીને વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના મુખ્ય ચહેરા તરીકે રજૂ કરી રહ્યો છે. તમિલનાડુ કોંગ્રેસના નેતાઓએ પણ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાની અપીલ કરી હતી. આવી સ્થિતિમાં રાજ્યમાં ગઠબંધન ભાગીદાર હોવા છતાં TVK મંત્રીઓની આ માંગણી કોંગ્રેસ માટે મોટી ધર્મસંકટ સમાન બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં TVK એ 108 બેઠકો જીતી હતી અને બહુમતી માટે 10 બેઠકો ખૂટતી હતી. તે સમયે કોંગ્રેસે પોતાના 5 ધારાસભ્યો અને અન્ય પક્ષો સાથે મળીને TVK ને ટેકો આપીને ગઠબંધન સરકાર બનાવી હતી. કોંગ્રેસે આ માટે પોતાના દાયકાઓ જૂના સાથી પક્ષ DMK નો સાથ છોડી દીધો હતો, જેને લઈને DMK એ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. હવે TVK મંત્રીઓના આ વલણથી ભવિષ્યમાં લોકસભા અને સ્થાનિક ચૂંટણીઓ માટે બંને પક્ષો વચ્ચે પીએમ ચહેરાને લઈને મોટો ભંગાણ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
