<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

આઈફોન અને બાઇક માટે દાદાની હત્યાનું કાવતરું! પૌત્રીએ વીડિયો કોલ પર લાઈવ જોઈ હત્યા: કેરળમાં સગીરોનો સનસનાટીભર્યો ગુનો

અલાપ્પુઝામાં 67 વર્ષીય શિવનકુટ્ટી ચેટ્ટીયારની ઘાતકી હત્યા: 13 વર્ષની પૌત્રીએ 17 વર્ષના બોયફ્રેન્ડ અને મિત્રો સાથે મળી રચ્યું કાવતરું, સોનાની લૂંટ ચલાવી વીડિયો કોલ પર બતાવી લાશ

અલાપ્પુઝા (કેરળ), તા.19: કેરળના અલાપ્પુઝા જિલ્લાના કરુવટ્ટા વિસ્તારમાં એક હૃદયકંપાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. શરૂઆતમાં જેને લૂંટના ઈરાદાથી થયેલી હત્યા માનવામાં આવતી હતી, તેનો ભેદ ઉકેલાતા જ ખુદ પોલીસ અને સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા છે. 67 વર્ષીય શિવનકુટ્ટી ચેટ્ટીયારની હત્યા કોઈ બહારની ગેંગે નહીં, પરંતુ તેમની પોતાની જ 13 વર્ષની પૌત્રીએ પોતાના સગીર બોયફ્રેન્ડ અને તેના મિત્રો સાથે મળીને કરાવી હોવાનું સામે આવ્યું છે. આ ગુના પાછળનો હેતુ પૌત્રી માટે મોંઘો આઈફોન અને બોયફ્રેન્ડ તથા તેના મિત્રો માટે બાઇક ખરીદવાનો હતો. 

મળતી માહિતી મુજબ, ધોરણ 8 માં અભ્યાસ કરતી 13 વર્ષની પૌત્રીએ તેના 17 વર્ષના બોયફ્રેન્ડ અને તેના બે સગીર મિત્રો (ઉંમર 16 અને 17 વર્ષ) સાથે મળીને દાદાની હત્યા અને ઘરમાં રહેલા સોનાની ચોરીનું સંપૂર્ણ કાવતરું ઘડ્યું હતું. પૌત્રીને દાદાના ઘરમાં દાગીના ક્યાં રાખેલા છે તેની ચોક્કસ માહિતી હતી. શનિવારે રાત્રે ત્રણેય સગીર આરોપીઓ કોલ્લમથી ટ્રેન દ્વારા કરુવટ્ટા પહોંચ્યા હતા અને ઘરના પાછળના ભાગે આવેલી વેન્ટિલેટરની બારીમાંથી અંદર ઘૂસ્યા હતા. 

ઘરમાં ઘૂસ્યા બાદ સગીરોએ શિવનકુટ્ટી ચેટ્ટીયાર પર હુમલો કરી, તેમના હાથ-પગ કપડાથી બાંધી દીધા હતા અને ગૂંગળાવીને તેમની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ સગીર બોયફ્રેન્ડે 13 વર્ષની પૌત્રીને વીડિયો કોલ કરીને દાદાનો મૃતદેહ બતાવ્યો હતો અને ત્યારબાદ ઘરમાંથી આશરે 4.5 તોલા સોનું લૂંટી લીધું હતું. પુરાવાનો નાશ કરવા અને સ્નિફર ડોગ્સથી બચવા માટે આરોપીઓએ આખા ઘરમાં મરચાની પૂડ છાંટી દીધી હતી. 

ઘટનાના બે દિવસ બાદ, સોમવારે સવારે પૌત્રીએ પોતે જ દાદાના ઘરે જઈને પડોશીઓને નાટક કરીને કહ્યું કે દાદા કોઈ જવાબ આપી રહ્યા નથી. પડોશીઓએ અંદર જઈને તપાસ કરતા શિવનકુટ્ટી ચેટ્ટીયારનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પૂછપરછ દરમિયાન 13 વર્ષની પૌત્રી વારંવાર નિવેદનો બદલતી હતી. શંકા જતાં કડક પૂછપરછ કરાતા તેણે આખી યોજના કબૂલી લીધી હતી. પોલીસે ચારેય સગીરોની અટકાયત કરી લૂંટેલું સોનું કબ્જે કર્યું છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ 16 અને 17 વર્ષના મુખ્ય સગીર આરોપીઓ પર પુખ્ત વયના ગુનેગારો તરીકે કેસ ચલાવવાની કાનૂની શક્યતાઓ ચકાસી રહી છે.

(4:59 PM IST)