News of Wednesday, 19th August 2026
અમેરિકન રાજકારણમાં ભારતીય મૂળના નેતાનો ડંકો: પિયા દાંડિયાએ ફ્લોરિડામાં ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણી જીતી, નવેમ્બરમાં યુએસ કોંગ્રેસ માટે જંગ
ભૂતપૂર્વ સ્કૂલ પ્રિન્સિપાલ અને શિક્ષણશાસ્ત્રી પિયા દાંડિયાનો ફ્લોરિડાના 22મા ડિસ્ટ્રિક્ટમાંથી શાનદાર વિજય: નવેમ્બરની સામાન્ય ચૂંટણીમાં રિપબ્લિકન કેસી અસ્કર સામે થશે સીધો મુકાબલો

વોશિંગ્ટન, તા.19: અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આ શ્રેણીમાં વધુ એક સિદ્ધિ ઉમેરતા, ભારતીય-અમેરિકન પૂર્વ સ્કૂલ પ્રિન્સિપાલ અને શિક્ષણશાસ્ત્રી પિયા દાંડિયાએ ફ્લોરિડાના 22મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે. પિયા દાંડિયાએ 68.6 ટકા મતો મેળવીને પોતાના પ્રતિદ્વંદ્વી વકીલ કાસિયા અર્લીને પરાજય આપ્યો હતો. હવે આ વિજય સાથે જ પિયા દાંડિયા આગામી નવેમ્બરમાં યોજાનારી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (સંસદના નીચલા ગૃહ) ની સામાન્ય ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ મરીન કેસી અસ્કર સામે ચૂંટણી મેદાનમાં ઉતરશે.
પોતાની આ શાનદાર જીત બાદ પિયા દાંડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "આ ઝુંબેશ પર વિશ્વાસ મૂકવા બદલ FL-22 ના તમામ નાગરિકોનો આભાર. હું મારા વિદ્યાર્થીઓ, મારો પુત્ર અને આ વિસ્તારમાં ઉછરી રહેલા દરેક બાળકના બહેતર ભવિષ્ય માટે ચૂંટણી મેદાનમાં ઉતરી છું. આપણે સૌ સાથે મળીને મોંઘવારી ઘટાડવા, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને વોશિંગ્ટનને ફરી સામાન્ય લોકોના હિતમાં કાર્યરત કરવા માટે લડત ચાલુ રાખીશું."
ડેમોક્રેટિક નેશનલ કમિટી (DNC) એ પિયા દાંડિયાને આ વિજય બદલ સત્તાવાર અભિનંદન પાઠવ્યા છે. DNC એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "એક શિક્ષિકા અને સામાજિક નેતા તરીકે પિયા દાંડિયાએ લોકો માટે નવી તકોનું નિર્માણ કરવા સતત કાર્ય કર્યું છે. તેઓ દક્ષિણ ફ્લોરિડાના પરિવારો માટે કરિયાણું, સ્વાસ્થ્ય સેવાઓ અને આવાસના ખર્ચ ઘટાડવા માટે કોંગ્રેસમાં અવાજ ઉઠાવવા તૈયાર છે."
ભારતમાંથી અમેરિકા સ્થળાંતર કરનાર માતા-પિતાના ઘરે ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં જન્મેલી પિયા દાંડિયા પ્રથમ પેઢીની ભારતીય-અમેરિકન છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક શિક્ષક તરીકે કરી હતી. આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ઉચ્ચ શિક્ષણનો માર્ગ બતાવવાના હેતુથી તેમણે ન્યૂયોર્કના હાર્લેમ વિસ્તારમાં માત્ર 28 વર્ષની ઉંમરે એક હાઈસ્કૂલની સ્થાપના કરી હતી, જેના કારણે તેઓ અમેરિકાના સૌથી યુવા હાઈસ્કૂલ પ્રિન્સિપાલોમાંના એક બન્યા હતા. હવે તેમની આ સફળતાથી અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ખુશીનો માહોલ છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
