<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે પણ અમેરિકામાં ભારતીય નિકાસ મજબૂત: વૈશ્વિક બજારમાં ભારતનો દબદબો અકબંધ, ૨૦% હિસ્સો જાળવી રાખ્યો

અમેરિકાના ૧૦% ટેરિફ અને યુકે-ઇયુ સાથેના નવા વેપાર કરારો છતાં ભારતીય નિકાસકારો માટે યુએસ સૌથી મોટું અને આકર્ષક બજાર બન્યું રહ્યું: બ્લૂમબર્ગનો અહેવાલ

નવી દિલ્હી, તા.19: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળ દરમિયાન ટેરિફ અંગેની ભારે અનિશ્ચિતતાઓ અને ભારત સરકાર દ્વારા અન્ય વૈકલ્પિક બજારો શોધવાના પ્રયાસો છતાં, ભારતીય નિકાસ માટે અમેરિકા (US) પરની નિર્ભરતા યથાવત રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા દર્શાવે છે કે જુલાઈમાં પૂરા થયેલા ૧૨ મહિના દરમિયાન ભારતની કુલ નિકાસમાં એકલા અમેરિકાનો હિસ્સો લગભગ ૨૦ ટકા જેટલો ઊંચો રહ્યો છે.

ભારતીય વસ્તુઓ પર હાલમાં ૧૦ ટકા ટેરિફ લાગુ હોવા છતાં અને ભૂતકાળમાં અમુક ઉત્પાદનો પર ટેરિફનો દર વધુ હોવા છતાં, અમેરિકી બજારમાં ભારતીય નિકાસે અદ્ભુત સ્થિતીસ્થાપકતા દર્શાવી છે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર બની રહ્યું છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ ગૂડ્ઝ, ફાર્માસ્યુટિકલ્સ, રત્નો અને દાગીના તથા કાપડ ક્ષેત્ર માટે અમેરિકાનું ગ્રાહક બજાર અત્યંત આકર્ષક અને મહત્વપૂર્ણ સાબિત થયું છે.

જોકે, અમેરિકા સાથેના વેપાર તણાવને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીએ અન્ય દેશો સાથે પણ મુક્ત વેપાર કરારો (FTA) ને ઝડપી બનાવ્યા છે. ભારતે તાજેતરમાં બ્રિટન (UK) સાથે વેપાર કરાર કર્યો છે, જે જુલાઈથી અમલમાં આવ્યો છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયન, ઓમાન અને ન્યૂઝીલેન્ડ સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે. આમ છતાં, નિકાસકારોનું માનવું છે કે અમેરિકા જેવા વિશાળ બજારનો વિકલ્પ તાત્કાલિક શોધવો અત્યંત પડકારજનક છે.

વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, ભારત હવે પોતાની નિકાસ બાસ્કેટને વિસ્તારી રહ્યું છે. વિદેશી બજારો માટે ઇલેક્ટ્રોનિક્સ અને મરીન પ્રોડક્ટ્સ સહિતની ૫૦૦ થી વધુ નવી પ્રોડક્ટ લાઇન્સ ઓળખવામાં આવી છે. ભારતની વ્યૂહરચના એવા અર્થતંત્રો સાથે મજબૂત વેપાર સંબંધો બનાવવાની છે જે વૈશ્વિક જીડીપીના બે તૃતીયાંશથી વધુ હિસ્સો ધરાવે છે, જેથી કોઈપણ એક દેશ પરની નિર્ભરતા અને આર્થિક જોખમ ઘટાડી શકાય.

(5:15 PM IST)