News of Wednesday, 19th August 2026
એર ન્યુઝીલેન્ડના બોર્ડમાં મોટો ફેરફાર: એર ઇન્ડિયાના પૂર્વ CEO કેમ્પબેલ વિલ્સન અને રોબર્ટ મેકડોનાલ્ડની મહત્વપૂર્ણ નિમણૂક
સતત વધતા ઇંધણના ભાવ અને એન્જિનની સમસ્યાઓ વચ્ચે એર ન્યુઝીલેન્ડે અનુભવી એવિએશન દિગ્ગજોને બોર્ડમાં સામેલ કર્યા: ૨૪ સપ્ટેમ્બરથી સંભાળશે જવાબદારી

ઓકલેન્ડ, તા.19: વૈશ્વિક એવિએશન ક્ષેત્રે ચાલી રહેલી આર્થિક અને ઓપરેશનલ પડકારો વચ્ચે એર ન્યુઝીલેન્ડે (Air New Zealand) પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મોટો ફેરફાર કર્યો છે. એરલાઇને એર ઇન્ડિયાના ભૂતપૂર્વ સીઇઓ (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સન તેમજ જાણીતા કોર્પોરેટ ફાઇનાન્સ નિષ્ણાત રોબર્ટ મેકડોનાલ્ડને પોતાના બોર્ડમાં નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. બંને અનુભવીઓની નિમણૂક ૨૪ સપ્ટેમ્બરના રોજ યોજાનારી કંપનીની વાર્ષિક શેરધારકોની બેઠક બાદ અમલમાં આવશે.
ન્યુઝીલેન્ડના નેશનલ કેરિયર માટે આ નિમણૂકો એવા સમયે થઈ રહી છે જ્યારે એરલાઇન ઉદ્યોગ ભારે દબાણમાંથી પસાર થઈ રહ્યો છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવને કારણે કાચા તેલના ભાવ ઊંચા સ્તરે પહોંચ્યા છે, જેનાથી ઇંધણ ખર્ચ વધ્યો છે. આ ઉપરાંત એરક્રાફ્ટની ડિલિવરીમાં વિલંબ અને એન્જિન-સંબંધિત ટેકનિકલ મુશ્કેલીઓને કારણે ફ્લીટની ઉપલબ્ધતા પર અસર પડી છે.
ન્યુઝીલેન્ડમાં જન્મેલા કેમ્પબેલ વિલ્સન પાસે એવિએશન ક્ષેત્રનો ૩૦ વર્ષથી વધુનો બહોળો અનુભવ છે. તેમણે તાજેતરમાં જ એપ્રિલની શરૂઆતમાં એર ઇન્ડિયાના સીઇઓ પદેથી રાજીનામું આપ્યું હતું. ટાટા ગ્રુપ હેઠળ એર ઇન્ડિયાના કાયાકલ્પમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. એર ઇન્ડિયા પહેલાં તેમણે સિંગાપોર એરલાઇન્સની બજેટ એરલાઇન 'સ્કૂટ' (Scoot) ના સ્થાપક સીઇઓ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે બ્રાન્ડ અને ઓપરેશનલ મોડેલ વિકસાવવામાં મોટું યોગદાન આપ્યું હતું.
બીજી તરફ, રોબર્ટ મેકડોનાલ્ડ કોર્પોરેટ અને નાણાકીય ક્ષેત્રનો ઊંડો અનુભવ ધરાવે છે. તેઓ હાલમાં કોન્ટેક્ટ એનર્જીના ચેરમેન છે અને ફ્લીટપાર્ટનર્સ ગ્રુપના બોર્ડમાં સક્રિય છે. એર ન્યુઝીલેન્ડના મેનેજમેન્ટને આશા છે કે વિલ્સનનો ઉડ્ડયન ક્ષેત્રનો વૈશ્વિક અનુભવ અને મેકડોનાલ્ડની નાણાકીય કુશળતા એરલાઇનને વર્તમાન ઓપરેશનલ અને આર્થિક પડકારોમાંથી બહાર લાવવામાં મદદરૂપ સાબિત થશે.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
