ગંગા જળ સંધિ મુદ્દે બાંગ્લાદેશનું આક્રમક વલણ: ભારત પાસે 'ગેરંટી કલમ' અને ઝડપી બિઝનેસ વિઝાની કરી માંગ, આંતરરાષ્ટ્રીય મંચ પર જવાની આપી ચીમકી
દ્વિપક્ષીય વેપારને વેગ આપવા નોન-ટેરિફ અવરોધો હટાવવા હાકલ: ૧૯૯૬ની સંધિ સુધારીને શુષ્ક ઋતુમાં પાણીના લઘુત્તમ જથ્થાની બાંહેધરી મેળવવા ઢાકા ઉત્સુક

ઢાકા, તા.૧૯: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં જળ વહેંચણી અને વેપાર ક્ષેત્રે નવી હલચલ જોવા મળી રહી છે. બાંગ્લાદેશે ભારતની યાત્રા કરતા પોતાના નાગરિકો અને ઉદ્યોગપતિઓ માટે ઝડપી બિઝનેસ વિઝા ઇશ્યૂ કરવાની માંગ સાથે નવી 'ગંગા જળ સંધિ'માં (Ganga Water Treaty) "ગેરંટી કલમ" (Guarantee Clause) ઉમેરવા માટે ભારત પર દબાણ વધાર્યું છે. આટલું જ નહીં, પોતાના પાણીના અધિકારોનું રક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય મંચોનો સંપર્ક કરવાની પણ તૈયારી દર્શાવી છે.
બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી શમા ઓબેદ ઇસ્લામે ભારતીય ઉચ્ચ કમિશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે ખાનગી ક્ષેત્રનો સંપર્ક વધવો જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "બાંગ્લાદેશી વેપારીઓ માટે બિઝનેસ વિઝા ઝડપથી જારી કરવા જોઈએ જેથી આર્થિક ભાગીદારી મજબૂત બને. આ ઉપરાંત, વેપારમાં નડતા નોન-ટેરિફ અવરોધો, પ્રોસેસિંગ વિલંબ અને માળખાકીય મુશ્કેલીઓ દૂર કરવી અનિવાર્ય છે." તેમણે ભારતીય રોકાણકારોને બાંગ્લાદેશના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રોમાં રોકાણ કરવા પણ આમંત્રણ આપ્યું હતું.
બીજી તરફ, જળ સંસાધન મંત્રી શાહિદુદ્દીન ચૌધરી અનીએ ગંગા નદીના પાણીની વહેંચણી અંગે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ૧૯૭૭ની સંધિમાં સમાવિષ્ટ પરંતુ ૧૯૯૬ની સંધિમાંથી બાકાત રખાયેલી 'ગેરંટી કલમ'ને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. આ કલમ હેઠળ શુષ્ક (સુકા) મહિનાઓ દરમિયાન બાંગ્લાદેશને પાણીના લઘુત્તમ જથ્થાની કાનૂની બાંહેધરી મળે છે. તેમણે ઉમેર્યું કે જો વાટાઘાટોથી ઉકેલ નહીં આવે તો બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો દરવાજો ખટખટાવતા પણ નહીં અચકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
