News of Wednesday, 19th August 2026
વન્યજીવો પ્રત્યે માનવતાનું ઉત્તમ ઉદાહરણ: આસામના હોજાઈમાં હાથીઓના ટોળાને સુરક્ષિત રસ્તો આપવા રાજધાની એક્સપ્રેસ થંભી ગઈ
વન વિભાગના કર્મચારીઓ, લોકો-પાયલટ અને રેલ્વે કંટ્રોલ રૂમના તાત્કાલિક સુમેળભર્યા સંકલનથી ટ્રેક પર થનારી મોટી હોનારત ટળી: વન મંત્રી જયંત મલ્લા બરુઆએ શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો

ગુવાહાટી, તા.૧૯: સામાન્ય રીતે રેલ્વે ટ્રેક પરથી પસાર થતી વખતે ટ્રેનની ટક્કરે હાથીઓના કરુણ મોત થવાના અહેવાલો સામે આવતા હોય છે, પરંતુ આસામના હોજાઈ જિલ્લામાંથી માનવતા અને જાગરૂકતાનું એક અત્યંત પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. બુધવારે સવારે આસામના નાગાંવ દક્ષિણ વિભાગ હેઠળના હવાઈપુર વિસ્તારમાં ડાઉન રાજધાની એક્સપ્રેસ ટ્રેનને રેલ્વે ટ્રેક પર જ રોકી દેવામાં આવી હતી, જેથી જંગલી હાથીઓનું એક આખું ટોળું વિના સંકોચ અને સુરક્ષિત રીતે ટ્રેક ઓળંગી શકે.
મળતી માહિતી મુજબ, હોજાઈ જિલ્લાના લંકા રેન્જ નજીક જ્યારે ડાઉન રાજધાની એક્સપ્રેસ પૂરઝડપે પસાર થવાની તૈયારીમાં હતી, ત્યારે જ વન વિભાગની ટીમે ટ્રેક નજીક હાથીઓના ટોળાને રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતા જોયું હતું. વન વિભાગના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને તુરંત જ લુમડિંગ રેલ્વે કંટ્રોલ રૂમ અને ટ્રેનના લોકો-પાયલટનો સંપર્ક કર્યો હતો. રેલ્વે અને વન વિભાગ વચ્ચેના આ તાત્કાલિક અને સચોટ સંકલનને કારણે લોકો-પાયલટે સમયસર ટ્રેન રોકી દીધી હતી અને હાથીઓ સલામત રીતે સામે પાર પહોંચ્યા બાદ જ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.
આસામના વન મંત્રી જયંત મલ્લા બરુઆએ આ ક્ષણનો સુંદર વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર શેર કરતા લખ્યું હતું કે, "ટ્રેક પર એક અણધાર્યો સ્ટોપ, પરંતુ ફક્ત આપણા ગજરાજ સાથીઓને રસ્તો આપવા માટે. આજે સવારે કિલોમીટર ૧૬૭/૮ પર રાજધાની એક્સપ્રેસને થંભાવી દેવામાં આવી હતી જેથી લંકા રેન્જ હેઠળ હાથીઓનું ટોળું શાંતિથી ટ્રેક ઓળંગી શકે."
મંત્રી બરુઆએ વન વિભાગના કર્મચારીઓની સતર્કતાની સરાહના કરતા વધુમાં ઉમેર્યું હતું કે, "દરરોજ આપણા સમર્પિત વન કર્મચારીઓ જાગૃત રહીને શાંતિથી આપણા વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આવી ઘટનાઓ ભલે લાઈમલાઈટમાં ન આવે, પરંતુ દરેક સુરક્ષિત ક્રોસિંગ એ એક એવી વાર્તા છે જે ચોક્કસપણે બિરદાવવા યોગ્ય છે."
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
