<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

રાજસ્થાની સંસ્કૃતિની અમર ધરોહર 'ચિરમી': નવવધૂની પિયર પ્રત્યેની વિરહ વેદના અને ચિરમી છોડ સાથેના ભાવનાત્મક સબંધની કરુણ કહાની

માતાપિતા અને ભાઈની વાટ જોતી દીકરીના હૃદય સ્પર્શી મનોભાવો રજૂ કરતું લોકગીત: સંદેશાવ્યવહારના અભાવના યુગમાં કૂંપળ સામે દુઃખ ઠાલવતી રણપ્રદેશની દીકરીઓનું લોકનૃત્ય

જયપુર : રાજસ્થાનની ભાતીગળ સંસ્કૃતિ અને લોકજીવનમાં લોકગીતોનું એક વિશિષ્ટ અને સન્માનજનક સ્થાન રહ્યું છે. રાજસ્થાની લોકસાહિત્યમાં આવું જ એક અત્યંત લોકપ્રિય અને હૃદયસ્પર્શી લોકગીત છે 'ચિરમી'. મુખ્યત્વે મારવાડ પ્રદેશમાં જોવા મળતી 'ચિરમી' નામની એક ઔષધીય વેલ અને નવપરિણીત કન્યાની પિયર પ્રત્યેની તીવ્ર ઝંખનાને વણીને આ ગીતની રચના કરવામાં આવી છે. આ લોકગીત લગ્ન પછી સાસરે પહોંચેલી નવવધૂના વિરહ, તેની પીડા અને પિયરના સભ્યો પ્રત્યેના તેના અગાધ પ્રેમને વાચા આપે છે.

 

પ્રાચીન સમયમાં જ્યારે ટેલિફોન કે સંદેશાવ્યવહારના કોઈ સાધનો નહોતા, ત્યારે સાસરિયાંમાં એકલી પડી ગયેલી કન્યા પોતાના મનની વેદના કોઈ વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરી શકતી નહોતી. આવી સ્થિતિમાં તે આંગણામાં વાવેલા 'ચિરમી' છોડને સંબોધીને પોતાનું દુઃખ ઠાલવતી હતી. લાલ અને કાળા બીજ ધરાવતી આ ચિરમી વેલ નવપરિણીત કન્યા માટે ભાવનાત્મક સહારાનું પ્રતીક બની જાય છે. નવવધૂ ચિરમી સામે અશ્રુભીની આંખો સાથે પોતાના દિલની વાત કહે છે અને પોતાના પિતા કે ભાઈ તેને સાસરેથી પિયર લઈ જવા માટે ક્યારે આવશે તેની આતુરતાપૂર્વક રાહ જુએ છે.

 

ચિરમી લોકનૃત્ય અને તેના બોલ

'ચિરમી' લોકગીતમાં કન્યા છોડની ચાર ડાળીઓને પોતાના પરિવારના ચાર સભ્યોનું પ્રતીક માનીને તેની સાથે સુખ-દુઃખની વાતો કરે છે. આ ગીતના પંક્તિઓમાં કન્યા કહે છે કે, "મારા ચિરમી રા ડાલા ચાર, હું ચિરમી નઈ જઈશ..." જે દર્શાવે છે કે આ છોડ જ તેનો સાચો સાથી છે.

 

માત્ર ગીત જ નહીં પરંતુ રાજસ્થાની સંસ્કૃતિમાં 'ચિરમી' પર સુંદર લોકનૃત્ય પણ કરવામાં આવે છે. સ્ત્રીઓ ઘૂમર શૈલીમાં ધીમે-ધીમે હાથ અને કાંડાના નાજુક હાવભાવ સાથે નૃત્યની શરૂઆત કરે છે. વેલની જેમ હાથને ઉપર-નીચે લહેરાવીને અને લહેંગાના ઘેર સાથે કરાતું આ નૃત્ય રણપ્રદેશની દીકરીઓની સહનશીલતા અને તેમના સંસ્કારોનું અદ્ભુત પ્રતીક છે.

 

(6:20 PM IST)