<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

બંધ થયેલી એરલાઇનનો ડેટા ખરીદવા ગૂગલે લગાવી ₹95 કરોડથી વધુની બોલી: હવે ઇન્ટરનેટ નહીં : માનવ કાર્યશૈલી પરથી AI લેશે ટ્રેનિંગ!

બંધ પડેલી સ્પિરિટ એરલાઇન્સના કરોડો આંતરિક મેઇલ્સ, ચેટ્સ અને કોડ ખરીદવાનો માર્ગ મોકળો કર્યો : AI મોડેલ્સને વાસ્તવિક કોર્પોરેટ કામગીરી શીખવવા આંતરિક ડેટાની કિંમત વધી

સિલિકોન વેલી અને ટેકનોલોજીની દુનિયામાં એક અત્યંત રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જે સ્પિરિટ એરલાઇન્સ આર્થિક તંગીના કારણે બંધ થઈ ગઈ હતી અને તેની ફ્લાઈટ્સ કાયમ માટે જમીનદોસ્ત થઈ ગઈ હતી, તે જ કંપનીનો આંતરિક ડિજિટલ ડેટા આજે ગૂગલ જેવી ટેક જાયન્ટ માટે કરોડો રૂપિયાનો ખજાનો બની ગયો છે. ગૂગલે એક નાદારી હરાજીમાં આશરે ₹95.75 કરોડ ($10 મિલિયન) આપીને આ ડેટા ખરીદવાની સૌથી મોટી બોલી જીતી લીધી છે. ગૂગલ આ સોદા દ્વારા કોઈ પેસેન્જરનો અંગત ડેટા કે ક્રેડિટ કાર્ડ વિગતો નથી ખરીદી રહ્યું, પરંતુ કંપનીના કર્મચારીઓ વચ્ચે થયેલા ૧૦ કરોડ ઈમેઈલ્સ, ૫૦ કરોડ માઈક્રોસોફ્ટ ટીમ્સ ચેટ્સ, સોર્સ કોડ અને વર્ષોના ઓપરેશનલ રેકોર્ડ્સ મેળવી રહ્યું છે.

આ સોદો એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે AI ટેકનોલોજીનું ભવિષ્ય હવે બદલાઈ રહ્યું છે. અત્યાર સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને માત્ર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પુસ્તકો, વિકિપીડિયાના લેખો કે જાહેર આર્ટિકલ્સ વાંચીને તાલીમ આપવામાં આવતી હતી. પરંતુ, વાસ્તવિક કોર્પોરેટ જગતમાં કોઈ વ્યવસાય કેવી રીતે ચાલે છે, કટોકટી વખતે નિર્ણયો કેવી રીતે લેવાય છે અને વિવિધ વિભાગો વચ્ચે ઈમેઈલ પર સમસ્યાઓનું નિવારણ કેવી રીતે થાય છે—તે 'રીઅલ-વર્લ્ડ વર્કફ્લો' સમજવા માટે AIને આ પ્રકારના લાઇવ ડેટાની જરૂર છે. ગૂગલ આ ડેટાનો ઉપયોગ પોતાના એન્ટરપ્રાઇઝ AI મોડેલ્સને વધુ સક્ષમ અને માનવ સંચારને કુદરતી રીતે સમજતા બનાવવા માટે કરશે.

ભારતમાં સામાન્ય રીતે લોકો પોતાના ડિજિટલ ફૂટપ્રિન્ટ અને પ્રાઈવસી પ્રત્યે ખાસ ગંભીર હોતા નથી, પરંતુ આ સમાચાર આંખ ઉઘાડનારા છે. ભલે ગૂગલે સ્પષ્ટ કર્યું હોય કે થર્ડ-પાર્ટી એજન્સી દ્વારા તમામ અંગત ઓળખ  દૂર કર્યા પછી જ ડેટા મોડેલ તાલીમ માટે વપરાશે, પરંતુ આ ઘટના દર્શાવે છે કે આપણે ઓફિસમાં જે રોજિંદા ઈમેઈલ કે ચેટ્સ કરીએ છીએ, તે ડેટા પણ ભવિષ્યમાં કરોડો રૂપિયાની મૂલ્યવાન સંપત્તિ બની શકે છે. કોર્પોરેટ વર્લ્ડમાં હવે ફિઝિકલ સંપત્તિ કરતાં ડિજિટલ ડેટા વધુ કિંમતી સાબિત થઈ રહ્યો છે.

(6:27 PM IST)