News of Wednesday, 19th August 2026
રેલવે ટિકિટ બારીની લાંબી લાઈનોમાંથી મુક્તિ: હવે સ્માર્ટફોન જ બનશે તમારું ટિકિટ કાઉન્ટર
રેલવેની નવી ‘રેલવન એપ’ દ્વારા જનરલ ટિકિટ બુક કરાવવા પર મળશે ૩%નું રોકડ ડિસ્કાઉન્ટ : મુસાફરોના સમય અને પૈસા બંનેની બચત કરવાનો ડિજિટલ અભિગમ

નવી દિલ્હી: ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરનારા લાખો મુસાફરો માટે હવે સ્ટેશનો પર ટિકિટ લેવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાના દિવસો ભૂતકાળ બની જશે. ભારતીય રેલવેએ મુસાફરોની આ દૈનિક હાલાકીનો કાયમી ઉકેલ લાવતાં એક અત્યાધુનિક ‘રેલવન એપ’ લોન્ચ કરી છે. આ સુવિધાના માધ્યમથી મુસાફરો હવે સ્ટેશને પહોંચતા પહેલા કે ઘેરબેઠા જ પોતાના સ્માર્ટફોનથી ચપટી વગાડતા જનરલ અને અનરિઝર્વ્ડ (અનામત વગરની) ટિકિટ સરળતાથી બુક કરી શકશે. સ્ટેશન પર થતી ભારે ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોનો કિંમતી સમય બચાવવા માટે રેલવે તંત્ર દ્વારા આ એક ર્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે.
ડિજિટલ ઈન્ડિયાના વિઝનને વધુ મજબૂત બનાવવા માટે રેલવે માત્ર આ સુવિધા જ નથી આપી રહી, પરંતુ મુસાફરોને આર્થિક ફાયદો પણ કરાવી રહી છે. જો તમે ‘રેલવન એપ’નો ઉપયોગ કરીને અનામત વગરની ટિકિટ બુક કરો છો, તો રેલવે તરફથી કુલ ભાડા પર ૩%નું સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે કે, હવે લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની સાથે સાથે તમારી મુસાફરી પણ સસ્તી બનશે. ડીઆરએમ પ્રયાગરાજે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ યોજના વિશે માહિતી આપતા મુસાફરોને પેપરલેસ અને ડિજિટલ મોડ અપનાવવા માટે ખાસ આહ્વાન કર્યું છે.
આ એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ અને સુરક્ષિત છે, જેમાં મુસાફરો પોતાની સુવિધા મુજબ UPI, નેટ બેંકિંગ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ જેવા તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમોથી ચુકવણી કરી શકે છે. ટિકિટ બુક થતાં જ તે સીધી તમારા મોબાઈલમાં આવી જશે, જેથી કાગળની ટિકિટ સાચવવાની કે ખોવાઈ જવાની ચિંતા પણ રહેશે નહીં. રેલવેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ મુસાફરોને આ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવાનો છે, જેથી મુસાફરી વધુ આરામદાયક, ઝડપી અને તણાવમુક્ત બનાવી શકાય.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
