હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૃદ્ધ માતા-પિતાની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કાયદો હવે વડીલોના ગૌરવની ઢાલ બનશે
નપાવટ સંતાનોને ઘર અને મિલકતમાંથી બેદખલ કરવાનો ટ્રિબ્યુનલને સંપૂર્ણ અધિકાર : અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ રદ કરતા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે વધતી ઉંમર અસુરક્ષા કે અપમાનનું કારણ ન બની શકે

નવી દિલ્હી: વરિષ્ઠ નાગરિકોના હિતો, સન્માન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે વૃદ્ધ માતા-પિતાને પોતાના કડવા કે સતામણી કરતા બાળકોને પોતાની સ્વ-સંપાદિત મિલકતમાંથી બહાર કાઢવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની ખંડપીઠે આ ચુકાદો આપતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજની સભ્યતાનું સાચું માપદંડ તેના વડીલોને મળતા આદર અને સન્માન પરથી નક્કી થાય છે. વધતી ઉંમરનો અર્થ ક્યારેય અસુરક્ષા કે અપમાન હોવો જોઈએ નહીં અને દરેક વરિષ્ઠ નાગરિકને જીવનભર ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અકબંધ અધિકાર છે.
આ કેસ લખનૌના રવિકાંત ગુપ્તા અને તેમની 81 વર્ષીય માતા સાથે જોડાયેલો છે, જેમને તેમના જ પુત્ર અને પુત્રવધૂ દ્વારા હેરાન કરીને બળજબરીથી વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ મામલે રવિકાંત ગુપ્તાએ 2007ના વરિષ્ઠ નાગરિક કલ્યાણ કાયદા હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પુત્ર અને પુત્રવધૂને ઘરમાંથી ખાલી કરાવવા અરજી કરી હતી. એસડીએમ અને જિલ્લા મેજિસ્ટ્રેટના ટ્રિબ્યુનલે મિલકત પિતાની પોતાની કમાણીની હોવાનું ધ્યાને લઈ પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, પુત્ર દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં કરાયેલી અપીલમાં હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આદેશને રદ કરી દીધો હતો, જેને રવિકાંત ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને સંપૂર્ણપણે ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આદેશમાં દખલ કરીને મોટી ભૂલ કરી હતી. વરિષ્ઠ નાગરિકોના રક્ષણ અને કલ્યાણ માટે ગઠિત ટ્રિબ્યુનલ પાસે નપાવટ બાળકોને મિલકતમાંથી ખાલી કરાવવાનો પૂરતો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશથી દેશભરના લાખો વૃદ્ધ માતા-પિતાને કાનૂની શક્તિ મળશે જેઓ પોતાના જ ઘરમા બાળકોના ત્રાસ અને ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે. આ નિર્ણયથી એ સાબિત થાય છે કે ભારતીય ન્યાયતંત્ર વડીલોના સન્માન અને આત્મગૌરવની રક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
